
સૌરાષ્ટ્ર-કચ્છમાં 6 કલાકમાં ભૂકંપના 10 આંચકા
સૌરાષ્ટ્ર-કચ્છમાં 6 કલાકમાં ભૂકંપના 10 આંચકા આવતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. પોરબંદર નજીક 7, જામનગરના લાલપુરમાં 2 અને કચ્છમાં ધરતીકંપ આવતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. જોકે ભૂકંપના આંચકાથી શહેરમાં કોઈ નુકસાન પહોંચ્યું નથી. જામનગર અને પોરબંદરમાં 2.4થી 1.7ની તીવ્રતાનો ધરતીકંપ અનુભવાયો હતો.
16 જુલાઈએ રાજકોટમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતાં લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. રાજકોટથી અંદાજે 22 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું હતું. રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે આવેલા ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અંદાજિત 4 સેકન્ડ સુધી ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.
રાજકોટમાં 10 ફેબ્રુઆરીએ 2.4 રિક્ટર સ્કેલનો ભૂકંપ નોંધાયો હતો. રાજકોટમાં આ ઘણા સમય પછીનો ધરતીકંપ હતો, પણ એના 21મા દિવસે ફરી એક હળવો આંચકો અનુભવાયો હતો. બંનેમાં સામ્યતા એ હતી કે એ એક જ એપી સેન્ટર પરથી ઉદભવ્યા હતા. આ એપી સેન્ટરની તપાસ કરાતાં 10મીએ આવેલા ભૂકંપના એપી સેન્ટરથી માત્ર 3 જ કિ.મી. દૂર હોવાનું જાણવા મળ્યું હતું. સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણેક મહિનાથી ભૂકંપના આંચકા અવારનવાર અનુભવાય રહ્યા છે.