રાજકોટમાં રસ્તા વચ્ચે જીપ ઉભી રાખી દબંગાઇ કરનાર ASI સામે તપાસના આદેશ

ગુજરાત
ગુજરાત

રાજકોટઃ ટાર્ગેટ પૂરો કરવા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ASI સુરેશભાઇ મકવાણા સહિતનો મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ રવિવારે સાંજે ૭.૩૦ વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યો હતો. અને ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરનાર વાહનચાલક સામે કેસ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ દ્વારા વાહનો અટકાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી પરંતુ કેટલાક વાહનચાલકો પોલીસને ચકમો આપીને જતા રહેતા હતા. થોડો સમય આવું ચાલતા જમાદાર મકવાણાને તૂત સુઝ્યું હતું અને તેણે પોલીસ સ્ટેશનની સામે જ રસ્તા પર પોલીસ જીપ આડી ઊભી રાખી દબંગાઇ દેખાડી હતી. પરંતુ આ દબંગાઇ તેને ભારે પડી છે. કારણ કે તેની સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. JCP (જોઇન્ટ પોલીસ કમિશનર) કક્ષાના અધિકારી આ અંગે અંતિમ નિર્ણય લેશે.
 
રસ્તાને આડે પોલીસ જીપ ખડકી દેવાતાં વાહનોના થપ્પા લાગી ગયા હતા, પોલીસ સ્ટાફ જીપની પાછળ ઊભો રહી ગયો હતો અને જે વાહનચાલક નિયમનો ભંગ કરતો દેખાય તેને રોકીને કેસ કરવા લાગ્યા હતા, પરંતુ પોલીસની આ અણઆવડતને કારણે કિસાનપરા અને એરપોર્ટ રોડ તરફથી હેડ ક્વાટર્સ તરફ જતાં વાહનચાલકો ફસાયા હતા અને બે કલાક સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા. વાહન રોકવાની આ પદ્ધતિથી વાહનચાલકોના મન કોચવાયા હતા. પરંતુ દબંગ પોલીસને કહેવાની હિંમત કોઇ કરી શક્યું નહોતું. મહિલા પોલીસના સ્ટાફે બે કલાકમાં ૩૪ કેસ કરી રૂ.૧૧૨૦૦નો દંડ વસૂલ્યો હતો. જમાદાર મકવાણાએ કહ્યું હતું કે, વાહનચાલકો ઊભા રહેતા નહીં હોવાથી વાહન રોકવા માટે જીપ રસ્તા પર ઊભી રાખી દીધી હતી. આ પદ્ધતિથી કેટલાક પોલીસ કર્મચારીઓ પણ સહમત નહોતા, તેમણે કહ્યું હતું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રાફિકના કેસ કરવાના ટાર્ગેટ આપવામાં આવે છે અને ટાર્ગેટ પૂરા થાય નહીં તો ઉધડો લેવામાં આવે છે. ટાર્ગેટ પૂરા કરવા પોલીસ કરે પણ શું? તેવો સવાલ ઉઠ્યો છે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.