નિયમભંગ: મારુતિ સુઝુકી અને હોન્ડા ૮૫ ટકા નોકરી સ્થાનિકોને આપવાનો નિયમ પાળતી નથીઃ ગુજરાત સરકારની ગૃહમાં કબૂલાત

ગુજરાત
ગુજરાત

ગાંધીનગરઃ મારુતિ સુઝુકી અને હોન્ડા જેવી વાહન ઉત્પાદક કંપનીઓ કે જેમના ગુજરાતમાં ઉત્પાદન પ્લાન્ટ છે તેઓ પ્રવર્તમાન નિયમો અનુસાર ૮૫ ટકા નોકરીઓ સ્થાનિક લોકોને આપવાના નિયમનું પાલન કરતી નથી. ખુદ ગુજરાત સરકારે આ અંગે ગૃહમાં શુક્રવારે કબૂલાત કરી છે. એટલું જ નહીં, આવી કંપનીઓ સામે પગલાં લેવાની વાત આવે તો આ કંપનીઓ રોકાણ પાછું ખેંચી લેવાની ધમકીઓ પણ આપે છે. તદુપરાંત સરકારે જ પોતાના કાંડા કાપીને આ કંપનીઓને આપી દીધા છે કારણ કે જે પરિપત્ર હેઠળ ૮૫ ટકા સ્થાનિક રોજગારના નિયમનું પાલન ન કરે તેની સામે શા પગલાં લેવા તેની કોઈ જોગવાઈ જ નથી.જમીન, વીજળી, પાણી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતનું, રોજગાર બહારનાનેરોકાણકારો અને ઉદ્યોગપતિઓ માટે ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા રાજ્ય સરકાર લાલજાજમ બિછાવે છે. આ માટે કંપનીઓને ગુજરાત સરકાર જમીન, વીજળી, સડક, પાણી જેવી પાયાગત સુવિધાઓ મફતના ભાવમાં આપે છે. બદલામાં સરકારની ૮૫ ટકા રોજગાર સ્થાનિક ગુજરાતી લોકોને આપવાની એકમાત્ર શરત અને નિયમનું પાલન કરવામાં પણ મારૂતિ અને હોન્ડા જેવી તોતિંગ નફો રળતી કંપનીઓ અખાડા કરે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે ૧૯૯૫માં એક પરિપત્ર બહાર પાડીને ગુજરાતમાં ૮૫ ટકા નોકરીઓ સ્થાનિક લોકોને જ આપવા ઉદ્યોગસાહસિકોને આદેશ કર્યો હતો.શ્રમ-રોજગાર મંત્રી પણ વિવશ, કહે છે- "કંપનીઓ ના ગાંઠે એમાં અમે શું કરીએ"
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોરે સવાલ કર્યો હતો કે, મારુતિ અને હોન્ડા જેવી કંપનીઓ શું ૮૫ ટકા સ્થાનિક ગુજરાતીઓને નોકરી આપે છે? અને જો નથી આપતી તો તેમની સામે કયાં પગલાં લેવાયા છે. આના જવાબમાં શ્રમ અને રોજગારમંત્રી દિલીપ ઠાકોરે ગૃહમાં જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવતી બંને મારુતિ સુઝુકી અને હોન્ડા ૮૫ ટકા નોકરીઓ સ્થાનિક ગુજરાતીઓને આપવામાં ઠાગાઠૈયા કરે છે. પરંતુ સરકાર વિવશ છે કારણ કે જે પરિપત્ર હેઠળ સ્થાનિકોને નોકરીનો આદેશ કરાયો છે તેમાં આ નિયમનું પાલન ન કરનારી કંપની સામે શા પગલાં ભરવા તેની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.જે ગુજરાતમાં ૧૫ વર્ષ કરતા વધુ સમયથી રહે તે "સ્થાનિક" કહેવાયઃ શ્રમ મંત્રીશ્રમ મંત્રી દિલીપ ઠાકોરને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે સ્થાનિક ગુજરાતીની વ્યાખ્યામાં કોને ગણો છો તો તેમણે જવાબમાં કહ્યું હતું કે, નિયમ મુજબ જે પણ વ્યક્તિ ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષ કરતા વધુ સમયથી વસવાટ કરે છે તે "સ્થાનિક" કહેવાય. આવા તમામ લોકોનો સ્થાનિક લોકોને રોજગાર આપવાની જોગવાઈમાં સામેલ કરી શકાય છે. સ્થાનિક લોકોને રોજગાર આપવાના નિયમનું પાલન થાય તો ગુજરાતમાં ઘણી બેરોજગારી દૂર થઈ શકે છે.સ્થાનિકો મુદ્દે સરકારે બે વર્ષમાં ચાર વખત કંપનીઓને "કાગળ લખ્યા"સ્થાનિક ગુજરાતીઓને નોકરીઓ આપવાના નિયમને ઘોળીને પી જનારી મારુતિ અને હોન્ડા જેવી કંપનીઓ સામે સરકારે શું કર્યું એવા પ્રશ્નના જવાબમાં મંત્રી દિલીપ ઠાકોરે કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં અમે આ કંપનીઓને ચાર વખત કાગળ લખીને ૧૯૯૫ના પરિપત્ર વિશે તેનું ધ્યાન દોર્યું છે. અમે આ મામલે કંપનીના મેનેજમેન્ટને સમજાવવા બેઠકો પણ કરી છે. પરંતુ અમે આનાથી વધુ કશું કરી શકીએ તેમ નથી કારણ કે અમારી પાસે આવી કંપનીઓ સામે પગલાં લેવાની કોઈ સત્તા નથી.મારુતિમાં મેનેજરની ૧૪૫૩ પોસ્ટ, ફક્ત ૩૪૮ પર ગુજરાતીને નિમણૂંકઠાકોરે એવું પણ કબૂલ્યું હતું કે, મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં ૧૪૫૩ જગ્યા મેનેજર અને સુપરવાઈઝરના હોદ્દા માટે છે, જેમાંથી ફક્ત ૩૪૮ એટલે કે માંડ ૨૫ ટકા પર ગુજરાતીની ભરતી કરાઈ છે. જ્યારે કંપનીમાં કુલ ૪૫૩૪ કામદારોની જગ્યા છે, જેમાંથી ૧૯૬૪ એટલે કે ૪૦ ટકા જેટલી નોકરી જ સ્થાનિક ગુજરાતીઓને મળે છે, જ્યારે બાકીની ૬૦ ટકા નોકરીઓ પર બહારના રાજ્યોમાંથી શ્રમિકોને બોલાવીને નોકરી અપાય છે. આમ ગુજરાતના સંસાધનોનો ઉપયોગ કરીને આ કંપનીઓ બહારના રાજ્યના લોકોને રોજગાર આપી રહી છે. જ્યારે હોન્ડામાં મેનેજરની ૭૦૮ જગ્યા ખાલી છે, જેમાંની ફક્ત ૧૫૨ એટલે કે માંડ ૨૦ ટકા પર સ્થાનિક લોકોની ભરતી કરાઈ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.