અમદાવાદમાં ૧૫ ફેબ્રુઆરી પછી ગુજરાત કોંગ્રેસનું નવી સ્ટાઈલથી નવું સંગઠન, દરેક શહેરમાં ઝોન પ્રમુખોની નિમણૂંક થશે

ગુજરાત
ગુજરાત

અમદાવાદઃ ગુજરાત ભાજપમાં સંગઠનમાં ફેરબદલ કરવાની ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે હવે ગુજરાત કોંગ્રેસે પણ સંગઠનમાં ફેરફાર કરવા કવાયત શરૂ કરી દીધી છે. ચાલુ વર્ષે યોજાનારી ૬ મહાનગર પાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીને કારણે કોંગ્રેસે પ્રદેશ પ્રમુખથી લઈ શહેર પ્રમુખો બદલવાની તૈયારીઓ આરંભી દીધી છે. આ અંગે નિર્ણય લેવા માટે ૧૫ ફેબ્રુઆરી બાદ અહમદ પટેલની આગેવાનીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા જશે. નવા સંગઠનમાં દરેક શહેરમાં ઝોન મુજબ પ્રમુખોની નિમણૂંક કરાશે અને તેની ઉપર ત્રણ કાર્યકારી પ્રમુખો મુકવામાં આવશે. દરેક શહેરમાં સંગઠનનું આ પ્રમાણે જ માળખું રહેશે. જેના આધારે નવા સંગઠનની રચના કરશે અને આ સંગઠનના આધારે ચૂંટણી લડાશે.
 
 
ગુજરાત કોંગ્રેસે તાલુકા, જિલ્લા પંચાયત અને ૬ મહાનગર પાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રદેશ અને શહેરના માળખું વિખેરી નાંખી નવી ડિઝાઈન પ્રમાણેનું માળખું તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. નવા સંગઠનમાં કોંગ્રેસમાં શહેર પ્રમુખ ઉપરાંત ઝોન પ્રમાણેના પ્રમુખોની નિમણૂંક કરવામાં આવશે. જેમાં અમદાવાદ શહેરના ૭ ઝોન પ્રમુખોની નિમણૂંક કરવામાં આવશે અને આ ઝોન પ્રમુખોની ઉપર ત્રણ કાર્યકારી પ્રમુખોની નિયુક્તિ કરાશે. જ્યારે તેની ઉપર એક શહેર પ્રમુખ રહેશે.
 
 
છેલ્લા બે વર્ષથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ધાનાણી વચ્ચેના ખટરાગને કારણે સંગઠનની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. ખાસ કરીને ભાજપ સરકાર સામે એકથઈ લડવામાં આંતરિક વિખવાદને કારણે કોંગ્રેસ આક્રમક બની શકતી નથી. કોંગ્રેસના ધારાસભ્યો અને સંગઠનના આગેવાનો વચ્ચેના ગજગ્રાહ તેમજ સંકલનના અભાવે કાર્યકરો પણ નિષ્ક્રિય થઈ ગયા છે. જેને કારણે ગુજરાત સરકારની વિવિધ નીતિઓ, યોજનાઓ અને ભૂલો સામે લડવામાં કોંગ્રેસની ધાર સાવ બુઠ્ઠી થઈ ગઈ છે. જેથી કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર લાવવા કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી પરિવર્તન કરવા જઈ રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.