
વિધાનસભા : મોદી દિવ્યાંગો માટે સુગમ્ય ભારત અભિયાન ચલાવે છે ને ગુજરાત સરકાર દિવ્યાંગોને નોકરી જ આપતી નથી
ગાંધીનગરઃ દિવ્યાંગો માટે એકતરફ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સુગમ્ય ભારત અભિયાન (એક્સેસિબલ ઈન્ડિયા કેમ્પેઈન) ચલાવી રહી છે ત્યારે ગુજરાત સરકાર દિવ્યાંગોને મળવાપાત્ર સરકારી નોકરીઓ આપવામાં પણ ચિંગૂસાઈ કરી રહી છે. ખુદ ગુજરાત સરકારે જ શુક્રવારે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કબૂલ્યું હતું કે, ગત વર્ષે ગુજરાત સરકારે એક પણ દિવ્યાંગને સરકારી નોકરી નથી આપી. ખાનગી ક્ષેત્રની હાલત પણ આવી જ છે, જ્યાં વીતેલા વર્ષમાં ફક્ત એક જ દિવ્યાંગને નોકરી આપી છે.રાજ્યના ૨૨ જિલ્લામાં સરકારી ચોપડે ફક્ત ૪૫૧ દિવ્યાંગોગુજરાત સરકારના રેકર્ડ મુજબ સમગ્ર રાજ્યમાં સરકારી ચોપડે નોંધાયેલા દિવ્યાંગોની સંખ્યા ફક્ત ૪૫૧ છે. આ આંકડાઓ સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કારણ કે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દિવ્યાંગોની નોંધણી કરવામાં પણ ઠાગાઠૈયા કરવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો વારંવાર ઉઠી છે. એક અંદાજ અનુસાર રાજ્યમાં દિવ્યાંગોની સંખ્યા ૧૦ હજારને પણ પાર કરી ચૂકી છે, પરંતુ તેમના કલ્યાણ માટે રાજ્ય સરકારની ઉદાસીન નીતિ જવાબદાર ગણાય છે.અમદાવાદમાં સૌથી વધુ ૧૩૦ દિવ્યાંગ, દ્વારકામાં ફક્ત ૧જિલ્લાવાર દિવ્યાંગોની નોંધણીનો ડેટા જોઈએ તો અમદાવાદ જિલ્લામાં હાલ સૌથી વધુ ૧૩૦ દિવ્યાંગો નોંધાયા છે. ત્યારબાદ રાજકોટમાં ૪૪, સાબરકાંઠામાં ૨૬, પાટણમાં ૨૪ અને જામનગર તથા મહેસાણામાં ૨૨ દિવ્યાંગો નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા દિવ્યાંગો ધરાવતા જિલ્લાઓમાં દ્વારકા (૧), બોટાદ (૨), છોટા ઉદેપુર (૫), દાહોદનો (૭) સમાવેશ થાય છે. ભાવનગર (૨૧) અને જૂનાગઢમાં (૨૦) પણ નોંધપાત્ર સંખ્યામાં દિવ્યાંગો નોંધાયા છે.