વાપીમાં ધોળા દિવસે હથિયારધારી લુટારાઓએ માત્ર ૧૦ મિનિટમાં ચલાવી ૧૦ કરોડથી વધુની સનસનીખેજ લૂંટ
વાપીમાં લૂટારાઓને પોલીસને કોઈ ડર નથી. બેખોફ બનેલાં લુટારાઓએ વાપીના ચણોદમાં ધોળા દિવસે IIFL ગોલ્ડ લોનની ઓફિસમાં ધસી આવેલાં લૂટારાઓએ કર્મચારીઓને બંધક બનાવી રોકડ રકમ સહિત દાગીનાની લૂંટ ચલાવી હતી. લૂંટની ઘટનાથી પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ હતી. અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સીસીટીવી કેમેરામાં લૂટારા કેદ થઈ ગયા છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. લૂંટારાઓ કર્મચારીઓને સેલો ટેપથી બાંધીને ૮ કરોડના સોના સહિત ૧૦ કરોડની લૂંટ ચલાવીને માત્ર ૧૦ મિનિટમાં નાસી છૂટ્યા હતા
વાપીના ચણોદમાં આજે IIFL ગોલ્ડ લોનની ફાયનાન્સ ઓફિસને લૂટારાઓએ નિશાન બનાવી હતી. ચંદ્રલોક એપાર્ટમેન્ટના પહેલા માળે IIFLગોલ્ડ લોન બેંકમાં આજે સવારે પોણા ૧૦ વાગ્યાની આસપાસ એક બાદ એક ૬ જેટલા બુકાનીધારી ઘૂસ્યા હતા. બુકાનીધારી શખ્સોએ રિવોલ્વર તેમજ ઘાતક હથિયારો બતાવી કર્મચારીઓને સેલો ટેપથી બાંધીને બંધક બનાવ્યા હતા. લૂંટારુઓએ મોઢે બુકાની બાંધી હતી અને જેકેટ પહેર્યા હતા તેમજ લેંઘો અને ઝભ્ભા પહેર્યા હોવાનું કર્મચારીઓએ પોલીસને જણાવ્યું હતું.
તો હથિયારધારી લુટારા કંપનીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. લૂંટની ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને લુટારાઓને ઝડપી પાડવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી હતી. તો સાથે જ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે પણ બંને લુટારાઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.