
વડોદરામાં યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી.
વડોદરાઃ યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેનાર હવસખોર યુવાન સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રેમિકાને ગર્ભવતી બનાવ્યા બાદ હવસખોરે પ્રેમિકાને કોઇને જાણ ન કરવાની ધમકી આપી હતી.
વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા ગધેડા માર્કેટ પાસે દાતાર મટન શોપની પાછળ, સુન નગરીમાં સચિન ઉર્ફ કરણ શેકર કદમ રહે છે. છેલ્લા દોઢ-બે વર્ષથી તે કિશનવાડી સંતોષી ફળિયા વિસ્તારમાં રહેતી યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવવા માટે પીછો કરતો હતો. પ્રેમજાળમાં યુવતી ફસાયા બાદ તેને લગ્ન કરવાની લાલચ આપી હતી. અને તેને નવજીવન પાસે એક ખંડેર મકાનમાં લઇ જતો હતો. અને તેની સાથે યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
અવાર-નવાર દુષ્કર્મ આચરવાના કારણે યુવતી ગર્ભવતી બની હતી. ૪ માસનો ગર્ભ રહી જતાં યુવતીએ હવસખોર સચિન ઉર્ફ કરણ કદમને લગ્ન કરવા દબાણ શરૂ કર્યું હતું. પરંતુ, સચિન ઉર્ફ કરણ લગ્ન કરતો ન હતો. અને યુવતીને જણાવ્યું કે, જો તું આ અંગેની જાણ કોઇને કરીશ તો તારી માતા અને બહેનનું અપહરણ કરી જઇશ. અને તેઓને મારી નાંખીશ. જોકે, યુવતી ધમકીથી ગભરાયા વિના પરિવારની મદદ લઇ પાણીગેટ પોલીસ મથકમાં હવસખોર સચિન ઉર્ફ કરણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો સહિતની કલમ સાથે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ પી.આઇ. બી.એમ. રાણા કરી રહ્યા છે.