
વડોદરામાં મહાશિવરાત્રી પર્વે અમિત શાહની મુલાકાતને લઇને સુરસાગર તળાવ ખાતે ડોગ સ્ક્વોડ અને બોંબ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરાયું
વડોદરા શહેરની મધ્યમાં નવિનીકરણ કરાયેલા સુરસાગરના લોકાર્પણ અને સુરસાગરની મધ્યમાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવની મહાઆરતીમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે સુરસાગર તળાવને ફરતે ડોગ સ્ક્વોડ અને બોંબ સ્ક્વોડ દ્વારા ઘનિષ્ઠ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ૩૫ કરોડના ખર્ચે શહેરની મધ્યમાં આવેલા સુરસાગરનું નવિનીકરણ કરવામાં આવ્યું છે. ૨૧ ફેબ્રુઆરીના રોજ મહા શિવરાત્રીના દિવસે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે, ત્યારે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા સુરસાગર ખાતે સવારે ડોગ સ્ક્વોડ અને બોંબ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. સુરસાગરના લોકાર્પણ અને મહાઆરતીમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આવનાર હોવાથી શહેર પોલીસ તંત્ર દ્વારા સુરસાગર ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્તનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં સુરસાગરની ફરતે કોઇ-પણ પ્રકારના પથારા, લારી-ગલ્લા ઉભા રાખવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમ કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનને લઇ શહેર પોલીસ તંત્ર દ્વારા સુરસાગર ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્તનો એકશન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે.