
વડોદરામાં ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોએ યુવાનને અડફેટે લેતા ૨૦ ફૂટ સુધી ધસડાતા મોત, હેલ્મેટના ફૂરચે ફુરચા ઉડી ગયા
વડોદરા શહેરના ડભોઇ રોડ પર આવેલા સોમા તળાવ ચાર રસ્તા પાસે ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. ટેમ્પોની અડફેટે આવી ગયેલો યુવાન અંદાજે ૨૦ ફૂટ જેટલો ઘસડાયો હતો. જેમાં તેના હેલ્મેટના ફૂરચે ફુરચા ઉડી ગયા હતા. આ યુવાન વડોદરા લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. અને લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરેપરત જઇ રહ્યો હતો.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વેમાલી ગામનો ધીરજ હરશનભાઇ પરમાર(૪૦) બાઇક લઇને વડોદરા લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. ડભોઇ રોડ ઉપર લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત જતો હતો. તે દરમિયાન ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોની અડફેટે આવી ગયો હતો. ટેમ્પો ચાલક બ્રેક મારે તે પહેલા બાઇક સવાર ધીરજ ૨૦ ફૂટ ટેમ્પો સાથે ઘસડાયો હતો. જેના કારણે ધીરજે પહેરેલ હેલ્મેટના ફૂરચે ફુરચા ઉડી ગયા હતા. આ બનાવ બનતા જ લોકો દોડી આવ્યા હતા. પરંતુ, લોકો ભેગા થાય તે પહેલાં ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ ઉપર મૂકીને ફરાર થઇ ગયો હતો. આ બનાવને પગલે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, મોતને ભેટેલ યુવાનની સાથે અન્ય એક મહિલા પણ હતી. ટેમ્પોએ ટક્કર મારતા મહિલા રોડ ઉપર ફંગોળાતા ઇજા પામી હતી. સોમા તળાવ ચાર રસ્તા ઉપર ફરજ બજાવતી ટ્રાફિક પોલીસ સામાન્ય વાહન ચાલકોને ઉભા રાખીને દંડનીય રકમ વસુલ કરવાનું કામ કરવા સિવાય બીજું કોઇ કામ કરતી નથી. ટેમ્પો ચાલક પણ સિગ્નલ બંધ હોવા છતાં સડસડાટ નીકળતા મોટર સાઇકલ ચાલક મોતને ભેટ્યો છે. આ બનાવ બનતા સ્થાનિક લોકોએ ૧૦૮ને બોલાવી ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં રવાના કર્યો હતો. બીજી બાજુ પોલીસે આ બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી છે.