રાજકોટ નજીક રસ્તા પર ગુજરાતી ભાષાની ઢગલાબંધ ઉત્તરવહી મળી આવી

ગુજરાત
ગુજરાત

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર વીરપુર નજીક ઓવરબ્રિજ પાસે રસ્તા પરથી ગુજરાતી ભાષાની ઢગલાબંધ ઉત્તરવહી મળી આવી છે. આ ઉત્તરવહી ધો.૧૦ના વિદ્યાર્થીઓની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાટેલી હાલતમાં ઉત્તરવહી કોણ નાંખી ગયું તે તપાસનો વિષય છે. મહેસાણાના પરીક્ષાર્થીઓની ઉત્તરવહી હોવાની શંકા છે. રાત-દિવસ ઉજાગરા કરી પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓની ઉત્તરવહી રસ્તા પર રઝળતી હાલતમાં મળતા શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમજ મહેસાણાથી વિરપુર મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે ચેકીંગમાં વિજ્ઞાન વિષયની ઉત્તરવહીઓની બસ જઇ રહી હતી. ત્યારે ત્રણ પાર્સલ ગોંડલ નેશનલ હાઈવે મેલડી માતાજીના મંદિર પાસે પડેલા જોવા મળ્યા હતા.
 
આ ઉત્તરવહીઓ કોઈ ફેંકી ગયું છે કે પછી મહેસાણાના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસવા માટે લાવવામાં આવતી વખતે ભૂલને કારણ રસ્તા પર પડી ગઈ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બ્રિજ પરથી જે ઉત્તરવહીઓ મળી આવી છે તેમાંથી મોટાભાગની ઉત્તરવાહીઓ ફાટી ગઈ છે. કારણ કે રસ્તા પર પડ્યા બાદ તેના પરથી અનેક વાહનો પસાર થયા હતા.આ ઉપરાંત પવનને કારણે ઉત્તરવહીઓ આમતેમ ઉડતી જોવા મળી હતી. અનેક ઉત્તરવહીઓના પાના ફાટી ગયા હતા તેમજ બ્રિજ પર આમતેમ ઉડતા જોવા મળ્યા હતા.
 
આ અંગે રાજકોટ ડ્ઢઈર્ં આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, આ મૂલ્યાંકન માટે જતી ઉત્તરવહીઓ છે, રાજકોટ છે જ એવું નથી. મારી પાસે હાલ ૨૫થી ૩૦ ઉત્તરવહીઓ જ આવી છે. આગામી સમયમાં શું કરવું તે માટે ગાંધીનગરથી શિક્ષણ સચિવની ટીમ રવાના થઇ ગઇ છે. તેમા માર્ગદર્શન હેઠળ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. હાલ તપાસ ચાલુ છે. આ અકસ્માતે બનેલી ઘટના છે અને ઉત્તરવહીઓ બસની અંદરથી બારી ખુલી જવાના પડી ગઇ હશે. આ ઉત્તરવહીઓ અમે કબ્જે કરી છે. હું આ હાઇબોન્ડ કંપનીના ડ્રાઇવરનો આભાર માનુ છું કે તેણે ઉત્તરવહીઓ કબ્જે કરી અમને સોંપી છે. આ ઉત્તરવહીઓ હું ગુજરાત માધ્યમિક બોર્ડને જમા કરાવું છું. ગુજરાત માધ્યમિક બોર્ડ આ અંગે નિર્ણય કરશે. જે કોઇ વ્યક્તિ જવાબદાર હશે તેની વિરૂદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
 
ગોંડલના વીરપુર ઓવરબ્રીજ પાસેથી ધો.૧૦ની ગુજરાતી ભાષાની ઉત્તરવહીઓ મળવાને લઇને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ અંગે તેમણે જણાવ્યું છે કે ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવશે અને જે દોષીતો છે તેમના વિરૂદ્ધ કડક પગલા ભરવામાં આવશે.
 
બોર્ડની મહા બેદરકારી સામે આવી છે. હાઇબોન્ડ સિમેન્ટના સ્ટાફ ડ્રાઇવર ભાવેશભાઇએ જણાવ્યું હતું કે, સ્ટાફ બસ લઇને હાઇબોન્ડ તરફ આવતો હતો ત્યારે ગોંડલ સંતોષી માતાજીના મંદિર પાસે ત્રણ થેલા મળી આવ્યા હતા. મેં થેલામાં જોયું તો બોર્ડની પરીક્ષાના પેપર હતા. તે હું કંપનીએ લઇ આવ્યો. બાદમાં મે મારા મેનેજર અશોકભાઇને જાણ કરી. સવારે સાડા પાંચ વાગ્યે હું આવતો હતો. છાત્રોનું ભાવિ ન બગડે તે માટે મેં થેલા લઇ લીધા હતા.
 
આ ઘટનાને નજરે જોનાર અજીતસિંહ જાદવે જણાવ્યું હતું કે, વહેલી સવારે સાડા પાંચની આજુબાજુ ગોંડલ-ગુંદાળા ચોકડી પછી ગુરૂકુળ અને તાલુકા પોલીસ સ્ટેશન વચ્ચે આ પરીક્ષાની ઉત્તરવહીના પોટલા ચાલુ બસમાંથી પડી રહ્યા હતા. એટલે મેં બસ સાઇડમાં રાખી જોયું તો ઉત્તરવહીઓ જોવા મળી હતી. પોટલા રસ્તા પર ઘા જ થતા હતા. આથી મેં સૌથી પહેલા શિક્ષણ અધિકારીને જાણ કરી પરંતુ કોઇ જવાબ ન મળ્યો. આથી મેં પોલીસને જાણ કરી પરંતુ તેમાં પણ કોઇએ જવાબ આપ્યો નહીં.
 
જિલ્લા ઇન્ચાર્જ શિક્ષણાધિકારી સ્મિતા પટેલે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં ધોરણ ૧૦ માટે પાલા કેન્દ્ર નંદાસણ છે. ધોરણ ૧૨ માટે પાલા કેન્દ્ર ગાંધીનગર છે. અમારી જવાબદારી પાલા કેન્દ્ર સુધી આન્સરશીટ પહોંચાડવાની હોય છે. અમે પોલીસ બંદોબસ્ત સાથે પાલા કેન્દ્ર સુધી સેમ ડે આન્સર શીટ પહોંચાડી દીધી છે. પાલા કેન્દ્રથી આન્સરશીટ ઝોનમાં જાય છે અને ઝોનથી મદયસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ઉપર જાય છે. હવે આ શીટ કેવી રીતે ત્યાં પહોંચી તે અમને કોઇ આઈડિયા નથી.અમારી જવાબદારી પાલા કેન્દ્ર સુધીની છે.
 
વીરપુરથી ગોંડલ સુધી ઉત્તવહીઓ પવનને કારણે ઉડતા નજરે પડી હતી. ગોંડલ નજીકથી પણ ત્રણ પાર્સલ ઉત્તરવહીના મળી આવ્યા છે. જેમાં ૭૦૦થી ૮૦૦ ઉત્તરવહીઓ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.