
પોરબંદરમાં હનુમાનગઢ ગામમાં ઝુપડામાં આગ લાગતા પરપ્રાંતીય મજૂરના ત્રણ બાળકો ભડથું થયા
પોરબંદરના હનુમાનગઢ ગામમાં ઝુપડામાં કોઇ કારણોસર આગ લાગતા પરપ્રાંતીય મજૂરના ત્રણ સંતાનો બળીને ભડથું થતા અરેરાટી વ્યાપી ગઇ છે. માતા-પિતા કામ માટે બહાર ગયા હોય ઝુપડામાં ત્રણ બાળકો જ હતા. ઝુપડામાં અચાનક આગ લાગતા બાળકો ડરી ગયા હોય બહાર નીકળી શક્યા નહોતા અને ઝુપડું આખું લાકડાનું હોય આગ ઝડપથી વકરી હતી અને આખા ઝુપડાને ખાખ કરી નાંખ્યું હતું. ઘટનાની જાણ થતા ગ્રામજનો મદદ માટે આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં અંદર રહેલા ત્રણ બાળકો ભડથું થઇ ગયા હતા.
ગ્રામજનોએ આગ પર પાણીથી મારો ચલાવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ આગ ઓલવાય ત્યાં સુધીમાં બાળકોના મોત નીપજી ચૂક્યા હતા. ગ્રામજનોએ ૧૦૮ મારફત તુરંત ત્રણેય બાળકોને પોરબંદર હોસ્પિટલે ખસેડ્યા હતા. પરંતુ બાળકોએ પહેલેથી જ દમ તોડી દેતા પીએમની કાર્યવાહી હાથ ધરાઇ છે. મજૂરની તમામ ઘરવખરી પણ બળીને ખાખ થતા ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. આગ ક્યાં કારણોસર લાગી તેનું કારણ હજુ સામે આવ્યું નથી, પોલીસ આ મુદ્દે લોકોની પૂછપરછ હાથ ધરી તપાસ કરી રહી છે.