
ચીનથી વડોદરા પરત આવેલા ૩ યુવાનોનું સયાજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાયું, યુવાને કહ્યુંઃ ‘ચીનમાં જીવવુ મુશ્કેલ છે
વડોદરાઃ કોરોના વાઈરસના હાહાકારને કારણે કંપનીના કામથી ચીન ગયેલા ૨ યુવાનો સહિત ૩ લોકો આજે સવારે વડોદરા પરત ફર્યા હતા. તેઓ મુંબઇ એરપોર્ટથી બાય રોડ વડોદરા આવ્યા હતા અને ત્યાંથી તેઓ સીધા સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. જ્યાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવ્યું હતું. જોકે તેઓમાં કોરોના વાઈરસના કોઇ લક્ષણો જણાયા ન હતા. જેથી તેઓને ઘરે જવા દેવામાં આવ્યા હતા.
હિતેન્દ્રસિંહ ચૌહાણ અને ભરત રાજવંશી નામના બંને યુવાનો ૨૫ દિવસ માટે ચીન ગયા હતા. જોકે કોરોના વાઈરસને પગલે ચીનમાં ફસાઇ ગયા હતા. જોકે કંપનીએ તેઓએ ભારત પરત બોલાવી લીધા છે. ભારત આવેલા યુવાન હિતેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતુ કે, ચીનમાં જીવવુ મુશ્કેલ છે. પરંતુ અમે ત્યાં સુરક્ષિત હતા. જોકે અમારી કંપનીએ અમારી ચિંતા કરીને અમને ભારત પાછા બોલાવી લીધા છે.
હિતેન્દ્રસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતુ કે, અમે જોર્ડ ઇન્ટરનેશનલ કંપનીમાં નોકરી કરીએ છીએ. આજે સવારે વડોદરા એરપોર્ટ પર ઉતર્યાં હતા. અને ત્યાંથી સીધા સયાજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે આવ્યા છીએ. ચીનમાં પણ અમારૂ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. અમે એકદમ ફીટ છીએ. પરંતુ વડોદરામાં આવ્યા બાદ ફરીથી મેડિકલ ચેકઅપ જરૂરી છે અને અમારી કંપનીમાં ફીટનેશ સર્ટિફિકેટ આપવુ જરૂરી છે. જેથી આજે અમે મેડિકલ ચેકઅપ કરાવીને તેનો રિપોર્ટ કંપનીમાં જમા કરાવીશું.
સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાજીવ દેવેશ્વરે જણાવ્યું હતું કે, ચીનથી આવેલા યુવાનોનું મુંબઇમાં પણ સ્ક્રિનિંગ કરાયું હતું. ત્યાં પણ કોઇ લક્ષણો જણાયા ન હતા અને સયાજી હોસ્પિટલમાં પણ મેડિકલ ચેકઅપ દરમિયાન કોરોના વાયરસના કોઇ લક્ષણો જણાઇ આવ્યા નથી. જેથી તેઓને ઘરે જવા દેવામાં આવ્યા છે. બે યુવાનોનો રિપોર્ટ તેમની કંપનીને મોકલવાનો છે.
ચીનમાં કોરોના વાઈરસને પગલે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે, ત્યારે વડોદરા શહેરની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે કોરોના વાઈરસ અંગે દર્દીઓ માટે ખાસ આઈસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં બધી સુવિધાઓ જેવી કે, વેન્ટિલેટર, એક્સ-રે મશીન, સોનોગ્રાફી મશીનની સાથે સાથે તમામ દવાઓનો સ્ટોક રાખવામાં આવ્યો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે રાઉન્ડ ધ ક્લોક ડોક્ટર્સની ડ્યૂટી રાખવામાં આવી છે. જે સતત ફરજ પર હાજર રહેશે.