
ગુજરાત સરકારની મોટી જાહેરાત ખેડૂત ધિરાણ મુદ્દે , લોન ભરપાઈ કરવા ૨ મહિનાનો સમય આપ્યો
હાલમાં કોરોના વાયરસને કારણે લોક ડાઉન આપવામાં આવ્યું છે. જેને કારણે વેપાર અને ઉદ્યોગ ધંધા બંધ છે. જેને લઈને આજે ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂત મંડળી લઈને મોટી જાહેરાત કરી છે. ખેડૂતોના માર્ચ સુધી ધિરાણનું ૭ ટકા વ્યાજ બેંકોને ગુજરાત અને કેન્દ્ર સરકાર ચૂકવશે. સાથે જ ૩૧ મે સુધી ધિરાણની રકમ જમા કરાવવા છૂટ આપવામાં આવી છે. અંદાજે ૨૫ લાખ ખેડૂતોને તેનો ફાયદો થશે. અને સરકારી તિજોરી પર ૧૬૦ કરોડ રૂપિયાનો બોજ પડશે.
ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધીને કહ્યું કે, કોરોનાને કારણે વેપાર-ધંદા બંધ પડ્યા છે. ખેડૂતોને ૩૧ માર્ચ સુધી બેંકમાંથી લીધેલું ધિરાણ પાછું આપવાનું હોય છે. તેવામાં સરકારે ધિરાણ જમા કરાવવામાં બે મહિનાનો સમય આપ્યો છે. એટલે કે ૩૧ મે ૨૦૨૦ સુધી ખેડૂતો લોન ભરી શકશે. એટલું જ નહીં, પણ બે મહિનાનું વ્યાજ પણ ગુજરાત અને કેન્દ્ર સરકાર ભોગવશે.
નીતિન પટેલે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર ૩ ટકાના લેખે અને ગુજરાત સરકાર ૪ ટકાના લેખે એટલે ૭ ટકા વ્યાજ સરકાર ચૂકવશે. ગુજરાત સરકાર ખેડૂતોના ધિરાણ પાછળ અંદાજે ૩૫ હજાર કરોડ જેટલો ખર્ચો કરે છે. તેવામાં અંદાજે ૨૫ લાખ ખેડૂતોને સરકારની આ જાહેરાતનો લાભ પહોંચશે. તો ૪ ટકાના લેખે વ્યાજ ગણીએ તો આ જાહેરાતથી સરકારી તિજોરી પર અંદાજે ૧૬૦ કરોડ રૂપિયાનો બોજ પડશે.