ગુજરાતમાં ૧૪ વર્ષની દીકરીને ગર્ભવતી બનાવી મોતને ઘાટ ઉતારનાર પિતાને ફાંસીની સજા
સુરતમાં ડુમસ રોડ પર ગત ૩૦-૬-૨૦૧૭ના રોજ અવાવરુ જગ્યાએથી ૧૪ વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં પોલીસે મૃતક કિશોરીના પિતાને ઝડપી લીધો હતો. જેમાં આરોપીએ જ પોતાની ગર્ભવતિ દીકરીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં ગર્ભ કોને છે તે જાણવા ડીએનએ ટેસ્ટ થયો હતો જેમાં બાળકી સાથે પિતાએ જ ૬ મહિના સુધી શારીરિક શોષણ કરીને ગર્ભવતી બનાવ્યાનું સામે આવતાં પાછળથી પોસ્કો અને દુષ્કર્મની કલમ ઉમેરાઈ હતી. સમગ્ર કેસ સેશન્સ કોર્ટમાં ચાલતાં એપીપી દિંગત તેવરેની દલીલો અને પુરાવાના આધારે સેશન્સન જજ પીએસ કાલાએ આરોપી પિતાને ફાંસીની સજા સંભળાવી હતી.
૩૦ જૂન ૨૦૧૭ના રોજ સવારે દસેક વાગ્યે ડુમસ રોડ પર ખેતરની અવાવરુ જગ્યાએથી ૧૪ વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ કિશોરીનું ગળું દબાવી કોઇએ હત્યા કરી હોવાનું ફોરેન્સિક તપાસમાં બહાર આવ્યું હતું. કિશોરીની ઓળખ લિઝા ટુકના દાસ રહે પાંડેસરા અને મૂળ રહેવાસી ઓડિશાના સામે આવી હતી. બાદમાં પોલીસે તપાસ કરતાં પિતા ટુકના દાસે જ ગળુ દબાવી હત્યા કર્યાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આરોપી પિતાની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તેના પેટમાં ગર્ભ કોનો છે તે નહોતી કહેતી માટે હોસ્પિટલ લઈ જવાના બહાને રિક્ષામાં બેસાડી ઘરેથી લઈ ગયો હતો અને ગળું દબાવી હત્યા કરી હતી.