
ગલબાભાઈ પટેલે ગાંધીવાદના ગ્રામાભિમુખ વિકાસના વિચારને જીવનધ્યેય બનાવ્યો હતો
ગલબાભાઈ નાનજીભાઈ ગાંધીજીના વિચારોનું અનુસરણ કરીને ગામડાંમાં વિકાસ કરવા માટે સંકલ્પબદ્ધ બન્યા હતા. ગલબાભાઈ પટેલે ગાંધીવાદના ગ્રામાભિમુખ વિકાસના વિચારને જીવનધ્યેય બનાવ્યો હતો, ગમે તેમ કરીને બનાસકાંઠાના ખેડૂતોને ગ્રામ્યવિકાસ માટે ઉપયોગી થવું હતું, તેના વિશે ‘રખેવાળ’ દૈનિકના આદ્યસ્થાપક સ્વ. અમૃતલાલ બી. શેઠના ‘ગલબાભાઈ નાનજીભાઈ પટેલ’ સ્મૃતિગ્રંથમાં લખેલ લેખમાં જોવા મળે છે કે, ગલબાકાકાનો ગ્રામ્ય વિકાસ માટે અવિરત પ્રયત્ન રહ્યો હતો.અમૃતભાઈ બી. શેઠ પોતાના લેખમાં નોંધે છે, “બનાસકાંઠાની ધરતીના પુત્ર સ્વ. શ્રી ગલબાભાઈ પટેલે આ ધરતીના હીરને પારખ્યું હતું. આપણા પશુધન દ્વારા મેળવવામાં આવતા દૂધ અને દૂધની બનાવટોમાં તેમણે એક નવીન ચમત્કાર સર્જવાનું વિચાર્યું. આપણું કાંકરેજી પશુધન રાષ્ટ્રીય કક્ષાએ ઉચ્ચસ્થાને હોવા છતાં વારંવાર અનાવૃષ્ટિનો ભોગ બનવાને કારણે જોઈએ તેટલું દૂધનું ઉત્પાદન આપણે મેળવી શકતા ન હતા. ત્યારે દૂધાળાં ઢોરની જાળવણી અને સાચવણી દ્વારા વધુ ઉત્પાદનનું પ્રોત્સાહન મળે અને શ્વેતક્રાંતિ થાય તે માટે શ્રી ગલબાભાઈએ સક્રિય પ્રયાસો કર્યા.”બનાસકાંઠાને વિકસિત કરવા માટે ગલબાભાઈએ સપનું સેવ્યું હતું. તેમાં તેઓ ખૂબ જ સફળ થયા હતા. તેના મીઠા ફળ વર્તમાન પેઢી ચાખી રહી છે. બનાસડેરીના આદ્યપ્રણેતા ગલબાભાઈ વિશે અમૃત બી. શેઠ ઊંડાણપૂર્વક નોંધે છે, “બનાસકાંઠામાં દૂધની શ્વેતક્રાંતિની જ્યોત જલાવી તેમની પ્રેરણાનું પ્રથમ પુષ્પ બનાસકાંઠાની ધરતી પર અસ્તિત્વમાં આવ્યું અને તે બનાસડેરી નામે વિકસ્યું. આજે બનાસકાંઠાના લોકો માટે ગર્વ લેવા લાયક પ્રગતિનું સીમાચિહ્ન બની ગયું છે. ગાંધીવાદના ગ્રામાભિમુખ વિકાસના વિચારને તેમણે જીવન ધ્યેય બનાવ્યો હતો અને એક સંનિષ્ઠ સામાજિક કાર્યકર તરીકે સારી એવી નામના મેળવી હતી. તેઓશ્રીના ભગીરથ પ્રયત્નોના ફળ સ્વરૂપે આજે તેના અનેક લાભો બનાસકાંઠાની જનતા મેળવી રહી છે. તેમનું જીવનકાર્ય આપણને આપણી પ્રગતિ અને સામાજિક અને આર્થિકવિકાસમાં પ્રેરણારૂપ બન તેવું છે. ૧લી નવેમ્બર, ૧૯૭૦માં બનાસ ડેરીની સ્થાપના વખતે દૂધ એકત્ર કરવાના શ્રી ગણેશ થયા ત્યારે ૭૫ ગામોથી શરૂ કરી ૫૫૦ ગામોને બનાસ ડેરીના નેજા તળે લાવવામાં આવ્યા. બનાસ ડેરીનો આ વિકાસ શ્રી ગલબાભાઈને આભારી છે.”
સ્વ. ગલબાભાઈપટેલ વિશે ‘રખેવાળ’ દૈનિકના આદ્યસ્થાપક સ્વ. અમૃતલાલ બી. શેઠે કહ્યું છે કે,‘‘ તેઓ ખૂબ જ સાદાઈવાળા હોવા છતાં વિકાસશીલ અભિગમ ધરાવનાર હોવાથી તેમણે બનાસડેરી દ્વારા આપણાં પશુધનનો વૈજ્ઞાનિક પદ્ધતિએ વિકાસ સાધીને દૂધ અને દૂધની બનાવટોને સાચવવા માટેની ટેકનિકલ પદ્ધતિઓનો ઉપયોગ કરવાની હિમાયત કરી હતી. જેના પરિણામ સ્વરૂપે આપણા આ દૂધ ઉદ્યોગ પ્રત્યે આંતરરાષ્ટ્રીય તજજ્ઞો પણ આકર્ષાયા છે. ગલબાભાઈ પટેલનો પશુઓ પ્રત્યેનો પ્રેમ ગજબનો હતો અને કદાચ તેના કારણે જ બનાસ ડેરીનો ઉદ્ભવ થયો. પ્રાચીન કાળમાં શ્રીકૃષ્ણ ભગવાને ગાયોને બચાવવા માટે ગોવર્ધન ઊંચકેલો, તેમ બનાસકાંઠામાં અનાવૃષ્ટિને પરિણામે મૃત્યુ પામતા અને કંગાલ બનતા આપણાં આ પશુધનને ગલબાભાઈએ પરિશ્રમ ઉઠાવી બનાસ ડેરીની સ્થાપના દ્વારા બચાવ્યું તે કાંઈ નાનીસૂની બાબત ન ગણાય !તેમના અંગત જીવન વિષે જોતાં કહી શકાય કે તેઓ ખૂબ જ નિખાલસ અને સૌજન્યપૂર્ણ સ્વભાવના વ્યક્તિ હતા. મારો ખૂબ જ ટૂંકો પરિચય છતાં પણ તેઓના વ્યક્તિત્વની એક ઘેરી અસર મારા ઉપર છે.આવા સાહસી અને દૃઢ નિશ્ચયી સામાજિક કાર્યકર ગલબાભાઈનાં સંસ્મરણો વિશે લખવા માટે શબ્દો પણ ઓછા પડે એવા તેઓ એક વિરલ મનુષ્ય હતા.ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે રવિશંકર મહારાજે પણ ગુજરાતના ખેડૂતો અનેગ્રામાભિમુખ વિકાસ કરવાની વાત કરેલી હતી. જે વાતને કદાચ ગલબાકાકાએ બરાબર સમજી લીધી હતી. તેના લીધે કદાચ હૃદયમાં ઊંડાણપૂર્વક વિચાર કરીને કોઈ પણ ભોગે બનાસકાંઠાના ખેડૂતોનો ઉદ્ધાર કરવાનું નક્કી કરેલું હતું. રવિશંકર મહારાજે પણ કહ્યું છે “રાષ્ટ્રપિતા ગાંધીજીની નજર સમક્ષ દરેક ક્ષણે ભારતનું ગામડું અને ગામડાંની પ્રજા રહેતી. એમના વિકાસમાં એ ભારતનો વિકાસ જોતા. આપણા ગુજરાતનાં ગામડાઓમાં કુશળ, ખંતીલા અને ખૂબ મહેનતુ ખેડૂતો છે. ભણેલા ન હોવા છતાં ધંધો રોજગાર ચલાવવામાં અતિશય કુશળ એવા આપણે ત્યાં સુંદર કારીગરો છે. વહાણવટું કરવામાં કુશળ એવાં દરિયાકાંઠે રહેનારા દરિયાખેડૂઓ પણ છે, અને ગુજરાતની જનતા પાસે અર્થવ્યવહારમાં કુશળ અને કરકસરિયા એવા વ્યવહારકુશળ મહાજનો પણ છે” ગલબાભાઈ પટેલ જીવ્યા ત્યાં સુધી ખેડૂતો માટે કામ કરતા રહ્યા હતા. તેઓએ ગામડામાં વસતા ખેડૂતોને ટકાઉ વ્યવસાય તરફ વળે અને રોજગારી પ્રાપ્ત કરે તેવા કાર્યો કર્યા હતા અને દુઃખી ખેડૂતોને સુખના દિવસો તરફ લઈ ગયા હતા. ગલબાભાઈ પટેલ ડેરીની સંપત્તિ ખેડૂતોની માનતા હતા. જ્યારે બનાસ ડેરીના ચેરમેન હતા ત્યારે ડેરીના કામ સિવાય સંઘની ગાડીનો ઉપયોગ કરતા નહીં અને સાંજે નળાસર જતા ત્યારે એસ.ટી. બસમાં જતા. સંઘની ગાડીનો ઉપયોગ કરતા નહીં, કારણ કે ડેરીના કામને કોઈ જાતની અગવડ પડે નહીં. તેવો એક પ્રસંગ આ પ્રમાણે છેઃગલબાભાઈ પટેલના ગામ નળાસરથીએક સંદેશો આવેલો. તેમને જલ્દી ઘેર જવું પડે તેમ હતું, પરંતુ છેલ્લી બસ તો નીકળી ગઈ હતી. રાત પડી ચૂકી હતી. એક કર્મચારીને કહ્યું “સંઘની ગાડી આપો.” એટલે ડ્રાઈવર હતો નહીં. કર્મચારીએ કહ્યું “ગાડી લઈ જાઓ સાહેબ અને તમારી પાસે રાખશો તો પણ કોઈ જાતનો વાંધો નથી. સોમવારે લેતા આવશો.” કર્મચારીને ગલબાભાઈએ કહ્યું, “એમ નહીં, પણ મારી સાથે અહીંયાં એન્જિનિયર સાહેબ હશે તેમને મોકલો. તે મને નળાસર સુધી મૂકીને રાત્રે પાછા આવી જશે અને સોમવારના દિવસે ઘણી બસો મળી રહેશે.”એ સમયે બનાસ ડેરી પાસે માત્ર એક જ જીપ હતી. ગલબાકાકા આટલા માયાળુ અને લાગણીશીલ પુરુષ હતા કે ડેરીના કામના અર્થે કોઈ જાતની અગવડ ન પડે તેની પૂરતી કાળજી રાખતા હતા.