
ખંભાત પથ્થરમારા મામલે ૧૫૦થી વધુના ટોળા સામે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ
ખંભાત
ગઇકાલે થયેલા તોફાનના મામલે ખંભાત સીટી પોલીસે ૧૫૦થી વધુ લોકો સામે હત્યા તેમજ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ પોલીસ ફાયરિંગમાં મૃત્યુ પામનારના પરિવારજનોએ વહેલી સવારે પીએમ રૂમની બહાર હોબાળો મચાવ્યો છે. તંત્ર દ્વારા આધેડનો મૃતદેહ આપવામાં સમય લગાવતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે. સાથે પરિવારની માંગ છે કે ફાયરિંગ કરનાર પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
અકબરપુરમાં શુક્રવારે બપોરે ૨ વાગ્યે તોફાની ટોળાં મસ્જિદ પાસે ધસી આવ્યાં હતાં. મુસ્લિમો નમાઝ અદા કરીને બહાર નીકળતા હતા ત્યારે તોફાની ટોળાંએ પથ્થરમારો કર્યો હતો, જેને પગલે કેટલાક મુસ્લિમો મસ્જિદમાં સંતાઈ ગયા હતા. બાદમાં બંને કોમનાં ટોળાંએ સામસામો પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટનાના પડઘા તીન બત્તી, વ્હોરવાડ, રણમુક્તેશ્વર, બાવાબાગીચામાં પડ્યા હતા અને ત્યાં પણ તોફાની ટોળાં સામસામે આવી ગયાં હતાં. જાણ થતાં ખંભાત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટીયર ગૅસના ૨૫ શેલ છોડ્યા હતા. સ્થિતિ કાબુમાં ન આવતાં પોલીસે ૫ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. એ સમયે સ્થળ પર રિક્ષામાં બેસવા જતાં નેજા ગામના વિનોદભાઈ ફકીરભાઈ ચાવડા (મોલેશયમ ગરાસીયા)ને ગોળી વાગતાં મોત નીપજ્યું હતું. તેઓ અકબરપુરમાં શાકભાજી લેવા ગયા હતા અને ગામ તરફ પરત જઈ રહ્યા હતા એ સમયે ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર બનાવ દરમિયાન સ્થિતિને કાબુમાં લેવા જતાં ૧૦થી વધુ પોલીસકર્મચારીઓને પણ ઈજા પહોંચી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
ખંભાતથી આશરે ચાર કિલોમીટર દૂર આવેલા નેજા ગામમાં રહેતા મારા પિતા વિનોદભાઈ ફકીરભાઈ ચાવડા (ઉ.વ. ૬૨ અંદાજે) ખંભાતમાં શાકભાજી લેવા આવ્યા હતા. ત્યારે કોમી છમકલું થયું હતું. મારા પિતાને ગોળી વાગી હોવાની જાણ પોલીસે અમને હજુ સુધી કરી નથી. મારા પિતાને સૌપ્રથમ ખંભાતની જનરલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ત્યારબાદ શબઘરમાં તેમનો મૃતદેહ મૂક્યો છે. અમને આ ઘટનાની જાણ સ્થાનિકોએ કરી હતી. પરંતુ હજુ સુધી પોલીસ અમને કશું કહેતી નથી. મારા પિતા નિર્દોષ છે. નિર્દોષ વ્યક્તિ તોફાનાનો ભોગ બનતાં અમને ન્યાય મળવો જોઈએ. – સિરાઝભાઈ ચાવડા, મૃતકનો પુત્ર
કૃષિ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં રાજ્યપાલ આવ્યા હોવાથી જિલ્લાની મોટા ભાગની પોલીસ બંદોબસ્ત માટે ત્યાં તૈનાત હતી. ખંભાતમાંથી પણ મોટા ભાગની ફોર્સ આણંદ મોકલાઈ હતી. જૂથ અથડામણની ઘટના વેળાએ ખંભાતમાં પોલીસ ફોર્સ ઓછી પડ્યાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્યપાલના બંદોબસ્તમાંથી ફ્રી થયા બાદ તુરંત જ પોલીસ કાફલો ખંભાત ખાતે દોડી ગયો હતો.
પીએસઆઈ એમ. જે. ચૌધરી ટીયર ગૅસના શેલ છોડવા ગલીમાં ગયા હતા. એ સમયે તેઓ એકલાં હતા. ટોળું તેમને ખેંચી ગયું હતું અને મારવાનું શરૂ કર્યું હતું. તોફાનીઓએ તેમના પગમાં પાઈપ મારી અને પથ્થરો માર્યા હતા. બીજી તરફ ૪-૫ પોલીસકર્મીએ ત્યાં દોડી જઈ છોડાવ્યા હતા.
અકબરપુર સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. ગોધરાકાંડથી ૨૦૨૦ સુધીમાં અહીં ૧૫થી વધુ વખત કોમી છમકલાં થયાં છે. ૩ વર્ષથી ઉત્તરાયણ બાદ છમકલું થાય છે. અહીં વારંવાર કોમી દંગલ થવાને કારણે આગચંપી-તોડફોડ વગેરેના બનાવો બનતા હોઈ અગાઉ એસઆરપી કેમ્પ મૂકાયો હતો. પરંતુ પરિસ્થિતિ થાળે પડ્યા બાદ તે હટાવી લેવામાં આવતો હોય છે. આથી, આ સંવેદનશીલ વિસ્તારમાં કાયમી ધોરણે પોલીસ ચોકી બનાવવાની માંગ કરવામાં આવી છે.
શાક માર્કેટ પાસે રોડ પર તોફાની ટોળાંએ ૪-૫ લારી-ગલ્લામાં તોડફોડ અને આગચંપી કરી હતી. ભયનો માહોલ સર્જાતાં ચ્હાની લારી ચલાવનારો શખ્સ ભાગી ગયો હતો. લારી પાસે ગૅસનો બોટલ લગાવેલો હતો. ઘટનાસ્થળે પોલીસે પહોંચીને સૌપ્રથમ ગેસનો બોટલ હટાવીને દૂર કર્યો હતો. જો પોલીસ વેળાસર પહોંચી ન હોત તો બ્લાસ્ટ થવાની સંભાવના હતી.