
કોરોના ભય વચ્ચે ગુજરાત લોકડાઉન
અમદાવાદ : ગુજરાતમાં પણ કોરોના વાયરસની ખતરનાક બનતી જતી Âસ્થતિને ધ્યાનમાં લઇને મોડી રાત્રે સમગ્ર રાજ્યમાં લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના ડીજીસી શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ યોજીને મોડી રાત્રે આ અંગેના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. ૩૧મી માર્ચ સુધી સમગ્ર રાજ્યમાં હવે લોકડાઉન રહેશે. રાજ્યની તમામ સરહદોને સીલ કરી દેવામાં આવી છે. એસટી અને અન્ય તમામ સેવાઓને બંધ રાખવામાં આવી છે. ખાનગી વાહનોને પણ જરૂર પુરતા જ ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. અમલીકરણ ન કરનાર લોકો સામે કઠોર પગલા લેવામાં આવશે. જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓ સરળરીતે ઉપલબ્ધ રહેશે. મેડિકલ સ્ટોર અને દવાખાના યથાવતરીતે જારી રહેશે. આજે મોડી રાત્રે બાર વાગ્યાથી જ તમામ નિર્ણયોને અમલી કરી દેવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી આને લઇને ચર્ચા ચાલી રહી હતી. શરૂઆતમાં ચાર શહેરોમાં લોકડાઉનનો નિર્ણય કરાયો હતો પરંતુ લોકો બેદરકારી દાખવીને બહાર નિકળી રહ્યા હતા જેથી કોરોનાને લઇને ખતરો વધી ગયો હતો. લોકો પોલીસને સહકાર આપે તેવી અપીલ ડીજીપી દ્વારા કરવામાં આવી છે.
આજે પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કોરોનાને ફેલાવવા રોકવા માટે વિવિધ પગલા પર ચર્ચા કરાઈ હતી. પંજાબ અને દિલ્હીમાં કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં પણ કઠોરરીતે કર્ફ્યુ લાગૂ કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે હવે ગુજરાતમાં લોકડાઉનની જાહેરાત આજે કરવામાં આવી છે. રેલવે અને એસટી સેવા પહેલાથી જ બંધ કરવામાં આવી ચુકી છે. વિજ ઉત્પાદનને લગતી સેવાઓ યથાવતરીતે જારી રાખવામાં આવી છે. મળેલી માહિતી મુજબ કોઇપણ લોકોને તકલીફ ન પડે તેવી સેવાઓને અમલી રાખવામાં આવી છે.