
કોરોના : ગુજરાતમાં કુલ 40 પોઝિટિવ કેસ, અમદાવાદમાં વૃદ્ધાનું મોત
અમદાવાદ
વડોદરામાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. 55 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આ વ્યક્તિ યુકેથી આવ્યો હતો અને છેલ્લા 2 દિવસથી ગોત્રી જનરલ હોસ્પિટલમાં દાખલ હતો.
અમદાવાદમાં જ્યારે કોરોનાને કારણે 85 વર્ષના વૃદ્ધાનું અસારવા સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. મૃતક અમદાવાદની જ મહિલા છે અને સાઉદી અરેબિયામાં મક્કા-મદિનાથી 14 માર્ચે ભારત પરત ફર્યા હતા. 8 દિવસ ઘરે રહ્યા બાદ 22 માર્ચે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. મૃતક અન્ય શારીરિક તકલીફોથી પણ પીડિત હતાં. સુરત બાદ ગુજરાતમાં કોરોનાને કારણે આ બીજું મોત થયું છે.
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે વધુ 4 પોઝિટિવ કેસ સામે આવતા રાજ્યમાં 7 દિવસમાં કુલ 40 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી એકનું મોત(સુરત) થઈ ચૂક્યું છે. જ્યારે બીજુ મોત અમદાવાદમાં થયું છે. સાંજે રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે. આ સાથે રાજકોટમાં કોરોનાના કુલ 4 દર્દી થયા છે. ત્યારે આજે આરોગ્ય કમિશનર જયંતિ રવિએ પ્રેસકોન્ફરન્સ કરીને જાણકારી આપી છે કે, ‘આજે 131 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાંથી રાજકોટનો એક કેસ પોઝિટિવ આવ્યો છે. ત્યારે કોરોના સામે લડવા માસ્ક અને દવાઓ પૂરતા પ્રમાણ છે તેવી જાણકારી પણ આપી છે. જ્યારે હજુ દવાઓ ખરીદવાની પ્રકિયા શરૂ કરવાની આવી છે. આ સિવાય હાલ 110 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 21 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે.’ જ્યાં જ્યાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેવા જિલ્લાઓમાં સરકાર કડક લોકડાઉનનો અમલ કરાવે તેવી શક્યતા છે. જ્યારે ગુજરાત પેટ્રોલ એસોસિશને એક મહત્વનો નિર્ણય લીધો છે. આવતીકાલથી સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી જ પેટ્રોલ પંપ ચાલુ રહેશે.