
ઉત્તર ગુજરાતમાં કોરોનાનો કહેર વધતા ઊંઝાના ૭ ગામો બફર ઝોનમાં મૂકાયા, જાણો તમારું ગામ તો નથીને લિસ્ટમાં
કોરોના વાયરસે
હવે રાજ્યમાં પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરી લીધું છે. હોટસ્પોટ વિસ્તારોમાંથી ઉત્તરોતર કેસોની સંખ્યા વધી રહી છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ઉંઝામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ઊંઝાના ૭ ગામોને બફર ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે. પાટણના કોરોના ગ્રસ્ત નેદ્રાને અડીને આવેલા ઉંઝાના ૭ ગામને બફરઝોન જાહેર કરવામાં આવતા લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે.
ઊંઝાના ૭ ગામોને જે બફર ઝોનમાં મૂકાયા છે, તેમાં વરવાડા, બ્રાહ્મણવાડા, વિશોળ, લિંડી, કહોડા, ખટાસણા અને જગન્નાથપુરા ગામને બફરઝોનમાં મુકવામાં આવ્યા છે. સાથે જ આ ગામમાં આવતા તમામ વાહન ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને માત્ર એમ્બ્યુલન્સ અને સ્મશાનના વાહનોને છૂટ આપવામાં આવી છે. આ ગામોમાં ખાસતો સિદ્ધપુર તરફથી તમામ વાહન વ્યવહારને બંધ કરાયો છે. સાથે જ ૭ ગામોના સરપંચના અધ્યક્ષ પદે પણ સમિતિ બનાવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાએ કહેર મચાવ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં કોરોનાને કારણે પ્રથમ મોત થયુ છે. સાથે જ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા પાટણમાં વધુ હોવાથી, ત્યાં સંક્રમણ વધે તેવી સંભાવના છે. જેથી બનાસકાંઠા પાટણ જિલ્લા અડીને આવેલ હોવાથી બનાસકાંઠા પાટણના મુખ્ય પ્રવેશમાર્ગ સીલ કરી દેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં નવા ૫૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ૩૧ કેસ અમદાવાદમાં, ૧૮ કેસ વડોદરામાં, ૩ કેસ આણંદમાં, સુરત અને ભાવનગરમાં ૧-૧ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો ૪૩૨એ પહોંચ્યો છે. જ્યારે ૧૯ લોકોના મોત નીપજ્યા છે. તો ૩૩ લોકો સાજા થયા છે. આણંદ જિલ્લાના ખંભાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. નોંધનીય છેકે, ક્લસ્ટર કરવામા આવેલા વિસ્તારોની સાથે સાથે હવે ભરૂચ જેવા નવા જિલ્લાઓમાં પણ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે.