
ઉત્તર ગુજરાતમાં એકમાત્ર આગથળાની દીકરીની આર્મીમાં આખરી પસંદગી
રખેવાળ ન્યુઝ લાખણી
ગુજરાતમાં તાજેતરમાં થયેલ મહિલા આર્મી ભરતીમાં રાજ્યની પસંદ પામેલી ૫૦ દિકરીમાંથી ૭ દીકરીની આખરી પસંદગી થઈ હતી.જેમાં બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકમાત્ર દીકરી ઠાકોર માયાબેન ભેમાજી (રહે.આગથળા, તા.લાખણી) ની પસંદગી થઈ છે. તેણીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આગથળામાં મેળવ્યા પછી બી.એ.વિથ અંગ્રેજીમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ આર્મીમાં ભરતી થઈ ઉત્તર ગુજરાતનો રેકોર્ડ તોડ્યો છે. જે દેશ માટે પણ ગૌરવ છે.ગત પ્રજાસત્તાક પર્વે આગથળા ગામની ગુરુકૃપા હાઈસ્કૂલ ખાતે માયાબેન ઠાકોરનું દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સરપંચ સહિત આગેવાનો અને ગામના આર્મી જવાન ગળસોર શૈલેષભાઇ, સુધીરભાઈ ઠાકોર, સુરેશ દેસાઈ, આચાર્ય શેખ વગેરેએ તેણીને આશીર્વાદ આપી અન્ય દીકરા દીકરીઓને પણ આર્મીમાં ભરતી થઈ દેશની સેવા કરવા માર્ગદર્શન આપ્યુ હતુ. ત્યારબાદ તિરંગા સાથે ગામમાં રેલી કાઢીને પણ તેણીનું વિશેષ બહુમાન કરાયું હતું. ગામનું ગૌરવ વધારનાર દીકરીને વધાવવા આખું ગામ હિલોળે ચડ્યું હતું.