ઉત્તરાયણને લઈને પતંગરસિયાઓ માટે મોટા સમાચાર, શું આ વખતે પવન અને વરસાદ મક્રસંક્રાતિ બગાડશે?
ગુજરાતીઓના પ્રિય તહેવાર ઉત્તરાયણમાં પતંગરસિયાઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દરવખતે પતંગરસિયાઓને ઉત્તરાયણમાં પવન કેવો રહેશે તેવી ચિંતા સતાવતી હોય છે. ત્યારે ચાલું વર્ષે પવનને લઈને સારા સમાચાર મળી રહ્યા છે. આપણે વીતેલા વર્ષોની વાત કરીએ તો ઉત્તરાયણમાં પવન પતંગરસિયાઓ માટે મોટો દુશ્મન બનીને બેઠો હોય છે. પરંતુ હાલ રાજ્યના હવામાન વિભાગે ઉત્તરાયણમાં પવનને લઈને આગાહી કરી દીધી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તરાયણના દિવસ પવનની ગતિ મધ્યમ રહેશે. એટલે કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ ૧૫થી ૨૦ કિ.મી પ્રતિ કલાકની રહેશે. જેના કારણે પતંગરસિયાઓ સરળતાથી પતંગો ચગાવીને પોતાની મઝા માણી શકશે. જો ઉત્તરાયણના દિવસે વધારે પડતો પવન પણ લોકોને મુશ્કેલીમાં મુકતા હોય છે. પરંતુ હાલ હવામાન વિભાગની આગાહી જોતા દિવસભર પવનની ગતિ મધ્યમ રહશે, જેના કારણે પતંગરસિયાઓમાં આનંદનું મોજું ફરી વળ્યં છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તરાયણના દિવસે પવનની ગતિ ઉત્તર તરફની રહશે.
તો બીજી બાજુ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ઉત્તરાયણના દિવસે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ વિઘ્ન બને તેવી સંભાવનાઓ છે. ચાલું વર્ષે ડિસેમ્બર સુધીના તહેવારોમાં પણ વરસાદની અસર જોવા મળી હતી. ત્યારે હવે ગુજરાતીઓના પ્રિય તહેવાર ઉત્તરાયણમાં પણ વરસાદ વિઘ્ન બને તેવી સંભાવનાઓ છે. ૧૨ અને ૧૩ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદ પડશે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ૧૨ અને ૧૩ જાન્યુઆરીએ વરસાદની આગાહી છે. વરસાદને કારણે ઉતરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે.
અંબાલાલ દ્વારા વર્ષ ૨૦૨૦નો પ્રથમ તહેવાર ઉત્તરાયણ પણ બગડે તેવી શક્યતાઓ છે. તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરાયણના દિવસે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની શક્યતાઓ છે. ૧૪મી જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે મધ્યમ પવન પણ રહેશે. ત્યારે પતંગરસિયાઓ માટે ટેન્શન આપનાર આગાહી છે. ત્યારે ૧૫મી જાન્યુઆરીએ પવન સારો રહેશે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે સોમવારે જણાવ્યું હતું કે, ૭ જાન્યુઆરીથી ૧૦ જાન્યુઆરી સુધીમાં વરસાદની શક્યતા છે. દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ દિવસોમાં મ.ગુજરાત, ઉ.ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં ઠંડી વધશે. ત્યારે ૯, ૧૦ અને ૧૧ તારીખે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રીથી પણ નીચું જાય તેવી શક્યતા છે. સાથે ઉ.ગુજરાત અને બનાસકાંઠામાં ખુબ જ ઠંડી પડે તેવી આગાહી કરાઇ છે.