
અમદાવાદ શહેરમાં દરરોજ ૨૫૦થી વધુ પોઝિટિવ કેસ અને ૨૦થી ૩૦ મૃત્યુઆંકનો આંકડો યથાવત્, કુલ ૯,૨૧૬ કેસમાંથી ૬૦૨ દર્દીઓના મોત
અમદાવાદ : શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દરરોજ અંદાજે ૨૫૦થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવે રહ્યા છે. સૌથી વધારે કેસો પૂર્વ વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે. નવાઈની વાત એ છે કે, હાલમાં પૂર્વ વિસ્તારોમાં જીવનજરૂરિયાત વસ્તુઓ સિવાય બાકી બંધ છે. છતા પણ કેસોની સંખ્યા વધી રહી છે. ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં નવા ૨૭૨ કેસ નોંધાયા છે અને ૨૬ દર્દીના મોત થયા છે. જ્યારે ૧૦૭ દર્દીને રજા આપવામાં આવી છે. આમ મૃત્યુઆંક ૬૦૦ને વટાવી ૬૦૨ થઈ ગયો છે જ્યારે કુલ કેસ ૯,૨૧૬ થયા છે અને ૩૧૩૦ દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે.
અમદાવાદ જિલ્લામાં કોરોનાના ૩ નવા કેસ, બોપલમાં વૃદ્ધાનું મોત અમદાવાદ જિલ્લામાં કોરોનાના વધુ ૩ કેસ પોઝિટિવ આવ્યા છે. આ ત્રણ કેસ બોપલ, ધોળકા અને માંડલ વિસ્તારમાં નોંધાયા છે. જેમાં બોપલ વિસ્તારમાં આવેલી નારાયણી પાર્ક- ૨માં રહેતી ૬૫ વર્ષની વૃદ્ધાનું કોરોનાનાં કારણે મોત થયું છે. માંડલ ગામમાં ૧૧ વર્ષની બાળકીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા કુલ ૧૪૩ થઈ ગઈ છે.