
Skoda Kodiaq 4X4 ભારતમાં લોન્ચ
ચેક રિપબ્લિકન કાર નિર્માતા `સ્કોડા ઓટો ઈન્ડિયા’એ ભારતમાં 7 સીટર Kodiaq લોન્ચ કરી છે. કાર ડોર એજ પ્રોટેક્ટર જેવી સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે, જે તેના ગેટને નુકસાનથી બચાવે છે.
કંપનીએ આ ફુલ સાઇઝ એસયુવીને સૌપ્રથમ 2017માં લોન્ચ કરી હતી. 2023 Kodiaq લોન્ચ થતાંની સાથે જ 24 કલાકમાં તેના 759 યુનિટ વેચાઈ ચૂક્યા છે. માંગને ધ્યાનમાં રાખીને કંપનીએ હવે વાહનોની ફાળવણીની સંખ્યામાં વધારો કર્યો છે. સ્કોડા હવે દર ક્વાર્ટરમાં ગ્રાહકોને 750 Kodiaq કાર ફાળવશે.
કારની એરો ડાયનેમિક્સ સુધારવા માટે પાછળના સ્પોઈલરને વધારાના ફિનલેટ સાથે વિસ્તૃત કરવામાં આવ્યું છે. આ સિવાય કારની બીજી હરોળમાં મુસાફરો માટે મોટા લાઉન્જ સ્ટેપ્સ અને આઉટર હેડરેસ્ટ પણ આપવામાં આવ્યા છે. આ કાર 3 વેરિઅન્ટ સ્ટાઈલ, સ્પોર્ટલાઈન અને L&Kમાં ઉપલબ્ધ છે. કોડિયાકની કિંમત રૂ.37.99 લાખથી શરૂ થાય છે, જે કિંમત ટોપના વેરિઅન્ટ માટે રૂ.41.39 લાખ સુધી જાય છે. કિંમતો એક્સ-શોરૂમ દિલ્હી છે.
સ્કોડા કોડિયાકને BS-6 ફેઝ-2 ધોરણો અનુસાર અપડેટેડ 2.0 TSI EVO ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 187 bhp પાવર અને 320 nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 7 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે ટ્યુન કરવામાં આવ્યું છે. આ એન્જિન અગાઉના મોડલ કરતાં 4.2% વધુ ઇંધણ કાર્યક્ષમ છે.
આ કાર E-20 પેટ્રોલ ઉપર પણ ચાલી શકે છે. Skoda Kodiaq 4X4 કાર 7.8 સેકન્ડમાં 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. કારમાં 6 ડ્રાઈવિંગ મોડ્સ ઈકો, કમ્ફર્ટ, નોર્મલ, સ્પોર્ટ, ઈન્ડિવિજ્યુઅલ અને સ્નો છે. કાર 4×4 સિસ્ટમને સપોર્ટ કરે છે.