રામ મંદિર પર આ શું બોલ્યા શંકરસિંહ બાપુ?

ફિલ્મી દુનિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે હવે રામ મંદિરની એન્ટ્રી થઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રામ મંદિરને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, રામ ટેન્ટમાં રહે કે મંદિર…તેનાથી કોઈ ફરક પડતો નથી. ભાજપ મંદિરને લઈને માર્કેટિંગ કરે છે. ફરક એ વાતથી પડે છે કે ગરીબોને ભોજન અને રોજગાર મળે છે કે નહીં? આ મહત્વનું છે. ચૂંટણીના માહોલ વચ્ચે રામ મંદિરને લઈને શંકરસિંહ વાઘેલાના આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટી લાલઘુમ થઈ ગઈ છે.

સામાન્ય માણસને આનાથી કોઈ ફરક નથી પડતોઃ શંકરસિંહ વાઘેલા
ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, જ્યારે રામ મંદિર નહોતું ત્યારે શું ફરક પડ્યો અને હવે બનશે તો શું ફરક પડશે? કોઈને કોઈ ફરક પડતો નથી. જ્યારે શંકરસિંહ વાઘેલાને સવાલ પૂછવામાં આવ્યો કે મંદિર બનવાથી લોકોને રોજગાર મળશે, ટૂરિઝમ વધશે અને તમે કહો છો કે કોઈ ફરક નથી પડતો? જેના જવાબમાં વાઘેલાએ કહ્યું કે, સરદાર પટેલની આટલી ઉંચી પ્રતિમા બનાવવામાં આવી, ત્યાંના આદિવાસીઓ બરબાદ થઈ ગયા. સામાન્ય માણસને આ બધી બાબતોથી કોઈ ફરક પડતો નથી.

ફક્ત માર્કેટિંગ માટે બનાવાયું રામ મંદિરઃ વાઘેલા
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, મંદિર (રામ મંદિર) બન્યું નહોતું તો શું લોકો અયોધ્યા નહોતા જતા? તમે ટેન્ટમાં ભગવાન રામને જોતા હતા, ત્યારે શું ફરક પડતો હતો, ભગવાન રામને તો જોતા હતા ને! ભગવાન ટેન્ટમાં રહે કે મંદિરમાં રહે, શું ફરક પડે છે? શું તેઓ રહેવા માટે આવવાના છે? તેના પર જ્યારે શંકરસિંહને પૂછવામાં આવ્યું કે તમે પણ આટલું મોટું ઘર બનાવ્યું છે, નાનું મકાન બનાવીને તેમાં રહો તો શું ફરક પડે? આના પર શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, આ મેં માર્કિટિંગ માટે નથી બનાવ્યું, તેમણે રામ મંદિર માત્ર માર્કેટિંગ માટે બનાવ્યું છે.

બેરોજગારોને નોકરી આપોઃ શંકરસિંહ
વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, રામ મંદિરના નિર્માણને કોઈ રોકતું નથી, પરંતુ રોજી રોટીની સમસ્યાનો ઉકેલ પણ શોધો. નોકરીનો મુદ્દો ઉઠાવતા વાઘેલાએ કહ્યું હતું કે, યુવકો બેરોજગાર છે, તેમને નોકરી આપો. ભ્રષ્ટાચાર વિના કોઈ કામ થતું નથી, તેને પણ દૂર કરો. શિક્ષણ ફી એટલી બધી વધી ગઈ છે કે બાળકોને ભણાવી શકાતા નથી. માં બીમાર છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરાવી શકતા નથી. સામાન્ય માણસ માટે આ છે રામ મંદિર.

શંકરસિંહના નિવેદનથી વિવાદ
શંકરસિંહ વાઘેલાનું આ નિવેદન સામે આવ્યા બાદ ભાજપે હવે મોરચો ખોલ્યો છે. ભાજપે કહ્યું કે, શંકરસિંહ વાઘેલાએ ભગવાનનું અપમાન કર્યું છે. શંકરસિંહે હવે રામ મંદિરને લઈને નવો વિવાદ છેડ્યો છે. આપને જણાવી દઈએ કે, શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાને કોંગ્રેસે ટિકિટ આપી છે. તેઓ બાયડથી ચૂંટણી લડી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.