બીજીવાર મમ્મી બની ટીના અંબાણીની ભાણી અંતરા
મુંબઈ, એક્ટર મોહિત મારવાહની પત્ની અને ફેશન કયુરેટર અંતરા મોતીવાલા બીજીવાર મમ્મી બની છે. અંતરા મોતીવાલા અને મોહિતના બીજા સંતાનનો જન્મ થયો છે. એક દીકરીના પેરેન્ટ્સ અંતરા અને મોહિતના ઘરે આ વખતે દીકરાનો જન્મ થયો છે. ઉલ્લેખનીય છે કે, અંતરા મોતીવાલા ટીના અંબાણીની ભાણી છે જ્યારે મોહિત મારવાહ એક્ટર અનિલ કપૂરનો ભત્રીજો છે. અંતરા અને મોહિતે બીજા બાળકના જન્મની જાહેરાત સુંદર બ્લૂ અને વ્હાઈટ રંગના કાર્ડ થકી કરી હતી.
જેમાં લખેલું છે, *જણાવતા ખૂબ આનંદ થાય છે કે, અંતરા અને મોહિત ૧ જુલાઈ ૨૦૨૩ના રોજ દીકરાના પેરેન્ટ્સ બન્યા છે. મારવાહ અને મોતીવાલા પરિવાર કૃતજ્ઞતા અનુભવી રહ્યો છે. દાદા-દાદી સંદીપ અને રીના તેમજ નાના-નાની તુષાર અને ભાવના અતિશય ખુશ છે. નાનકડી થિયા પણ પોતાના ભાઈને આવકારીને ઉત્સાહિત છે. જણાવી દઈએ કે, અંતરાની પ્રેગ્નેન્સીની જાણ તેણે રેમ્પ વૉક કર્યું એ વખતે દુનિયાને થઈ હતી. માર્ચ મહિનામાં અંતરા લેકમે ફેશન વીકના રેમ્પ પર ચાલી હતી અને બેબી બંપ ફ્લોન્ટ કર્યો હતો. તેણે ફૂલ સ્લીવનું ક્રોપ ટોપ અને સ્કર્ટ પહેર્યું હતું. તેના ફ્રેન્ડ્સ અને પરિવારે તેનો ઉત્સાહ વધાર્યો હતો.
એક દિવસ અગાઉ જ અંતરાએ તેના પરિવાર અને મિત્રો સાથેની કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું હતું, પરિવર્તનના ઊંબરે ઊભી છું. મારા જીવનમાં બનેલી નાની અને મોટી ઘટનાઓ માટે કૃતજ્ઞ છું. કેક, આલિંગનો, બર્થ ડે પર ફ્રેન્ડ્સની સરપ્રાઈઝ વિઝિટ, મિનિ અને બોય્ઝ સાથે સનસેટ માણવો, કેટલાય મસાજ અને આલિંગનો. અંતરા મોતીવાલા મારવાહ ટીના અંબાણીની બહેનની દીકરી છે. તેણે મોહિત મારવાહ સાથે ફેબ્રુઆરી ૨૦૧૮માં યુએઈમાં લગ્ન કર્યા હતા. મોહિત અનિલ કપૂરની બહેન રીનાનો દીકરો છે એટલે આખો કપૂર પરિવારમાં લગ્નમાં સામેલ થયો હતો. અંતરા ફેશન સ્ટાઈલિસ્ટ છે જ્યારે મોહિત એક્ટર છે. તેણે ૨૦૧૪માં આવેલી ફિલ્મ ‘ફગલી’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું.