રણબીર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મનું ટ્રેલર ૨૩મીએ લોન્ચ થશે

ફિલ્મી દુનિયા

મુંબઈ, રણબીર કપૂર થોડા મહિનામાં રોમેન્ટિક કોમેડી તું જૂઠી મેં મક્કાર ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન લવ રંજને કર્યું છે. ફિલ્મમાં તે પ્રથમ વખત શ્રદ્ધા કપૂર સાથે જોડી જમાવશે. નિર્માતાઓએ ડિસેમ્બરમાં ફિલ્મના શીર્ષકની જાહેરાત કરી હતી. આ ફિલ્મ હોળી ૨૦૨૩ વીકએન્ડ દરમિયાન રિલીઝ થશે. આ જાહેરાત થઈ ત્યારથી તું જૂઠી મેં મક્કારના ટ્રેલર લોન્ચની સંભવિત તારીખ અંગે અટકળો ચાલી રહી છે. અહેવાલો મુજબ, આ ફિલ્મનું થિયેટર ટ્રેલર ૨૩ જાન્યુઆરીને સોમવારે રિલીઝ થશે. અહેવાલો મુજબ તું જૂઠી મેં મક્કારનું ટ્રેલર ૨૩ જાન્યુઆરીએ મુંબઈમાં ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવશે.

રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર અને ટીમની હાજરીમાં આ લોન્ચિંગ થશે. આ ફિલ્મની રોમેન્ટિક કોમેડીને પ્રેક્ષકો સુધી લાવવા માટે યોગ્ય મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેલર ૩ મિનિટ ૨૬ સેકન્ડનું રહેશે. તેને શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની એક્શન ફિલ્મ પઠાણની પ્રિન્ટ સાથે જોડવામાં આવશે. વધુને વધુ લોકો ટ્રેલર જુએ તે માટે આવો નિર્ણય લેવાયો છે. તું જૂઠી મેં મક્કારની ખ્યાતિ વધારવા માટે સ્ટ્રીટેજી ઘડી કઢાઈ છે. આ ફિલ્મનું સંગીત પ્રીતમ દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ લોકોમાં ફિલ્મ પ્રત્યે ઉત્સાહ જાળવી રાખવા થશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન કેમિયોમાં જોવા મળશે. તેની સાથે બોની કપૂર અને ડિમ્પલ કાપડિયા પણ જોવા મળશે. તેમની ભૂમિકા મહત્વની ગણવામાં આવે છે.

થોડા સમય પહેલા પિંકવિલાને આપેલા ઇન્ટરવ્યુમાં બોની કપૂરે તું જૂઠી મેં મક્કારમાં પોતાના રોલ વિશે ખુલીને વાત કરી હતી. નિર્માતામાંથી અભિનેતા બનેલા બોની કપૂરે કહ્યું હતું કે, આ ફિલ્મમાં હું જૂઠો કે મક્કાર નથી, માતાનો કર્તવ્યનિષ્ઠ પુત્ર છું, મારી પત્નીનો કહ્યાગરો પતિ છું. સંગીત સરસ છે, લવ રંજન સાથે કામ કરવામાં આનંદ થાય છે. હું આ ઑફર ઠુકરાવી દેવાનો હતો, પરંતુ લવે મને ફિલ્મ કરવા માટે મનાવી લીધો. કામ કરવાનો અદભૂત અનુભવ રહ્યો છે અને અભિનયમાં મેં પ્રયત્ન કર્યો તે બદલ મને આનંદ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.