
કેટલીક બાબતોને આપણે બદલી શકતા નથી : અજય
મુંબઈ, એક્ટિંગ ઈન્ડસ્ટ્રીના સ્ટારકિડ્સ માટે ટ્રોલિંગ એ કોઈ નવાઈની વાત નથી. અજય દેવગણ અને કાજોલની ૧૯ વર્ષની દીકરી ન્યાસા પણ સોશિયલ મીડિયા પર અવારનવાર નફરતનો શિકાર બની રહે છે… કયારેક કપડા, કયારેક મેકઅપ તો કયારેક ફોટોગ્રાફર્સને બતાવેલા એટિટયૂડના કારણે. તે ફ્રેન્ડ્સ સાથે પાર્ટીમાં ગઈ હોય અને ટ્રોલ ન થઈ હોય તેવું અત્યારસુધીમાં ભાગ્યે જ બન્યું છે. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં ‘ભોલા’ના એક્ટરે બંને બાળકો પર સતત રહેતી સ્પોટલાઈટ વિશે વાત કરી હતી તો ન્યાસાને ઓનલાઈન સહન કરવા પડતાં દુર્વ્યવહાર વિશે પણ ખુલાસો કર્યો હતો. આ સાથે તેણે બંને બાળકોને શું સલાહ આપી છે તે પણ જણાવ્યું હતું.
Filmfare સાથે વાતચીત કરતાં અજય દેવગણે કહ્યું હતું કે ‘તમારે તેમને સતત સમજાવવાની જરૂર પડે છે કે તેઓ ઓનલાઈન જે વાંચે છે તેનાથી પરેશાન થવું જોઈએ નહીં. ટ્રોલ તમારા ચાહકોના ખૂબ ઓછા ટકા હોય છે. આટલી નકારાત્મકતા કેવી રીતે ફેલાઈ છે તેની મને જાણ નથી. હું તેને અવગણતા શીખ્યો છું અને મેં મારા બાળકોને પણ આમ જ કરવા કહ્યું છે. ઘણીવાર તો તેઓ શું લખે છે તે જ મને સમજાતું નથી. તેથી, હું આ બધી વાતને મારા પર હાવી થવા દેતો નથી. ન્યાસાને વારંવાર ઓનલાઈન વારંવાર ટ્રોલ કરવા અંગે પ્રતિક્રિયા આપતા અજય દેવગણે કહ્યું હતું કે મને આ વાત પરેશાન કરે છે કારણ કે અમે તેને બદલી શકતા નથી.
હકીકતમાં નથી જાણતા કે શું કરવાનું છે. કારણ કે, ઘણીવાર એવી વાતો લખવામાં આવે છે જે સાચી હોતી નથી. જો તમે તેના પર પ્રતિક્રિયા આપો તો ઉપરથી વધારીને લખવામાં આવે છે. અજય દેવગણે તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે, તેના બાળકોને અન્ય સ્ટારકિડ્સની જેમ એક્ટર્સ બનવાનું કોઈ સપનું નથી. તેણે તેમ પણ કહ્યું હતું કે, તેના દીકરા યુગે હજી હાલમાં જ હિંદી ફિલ્મો જોવાનું શરૂ કર્યું છે જ્યારે ન્યાસાને તેમા જરાય રસ નથી. ‘મારા દીકરાએ હિંદી ફિલ્મો જોવાનું શરૂ કર્યું છે. મારી દીકરી ન્યાસા અમારી ફિલ્મો જોતી નથી. તેને તે જોવામાં રસ પણ નથી, હાલ તો નથી જ’, તેમ તેણે ઉમેર્યું હતું. વર્ક ફ્રંટની વાત કરીએ તો, અજય દેવગણ ખૂબ જલ્દી ફિલ્મ ‘ભોલા’માં જોવા મળશે, જે તમિલ હિટ ‘કૈથી’ની હિંદી રિમેક છે. તેના દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ ૩૦ માર્ચે થિયેટરમાં રિલીઝ થશે. છેલ્લે તે ‘દ્રશ્યમ ૨’માં જોવા મળ્યો હતો.