પિતાની સારવાર માટે શોએબ ઈબ્રાહિમને વેચવી પડી હતી કાર
મુંબઈ, એક્ટર શોએબ ઈબ્રાહિમ હાલ સીરિયલ ‘અજૂની’માં રાજવીરના રોલમાં જોવા મળી રહ્યો છે. અંગત જીવનમાં શોએબ ખૂબ ખુશ છે કારણકે તેની પત્ની દીપિકા કક્કર પ્રેગ્નેન્ટ છે. દીપિકા હાલ પ્રેગ્નેન્સી ફેઝને માણી રહી છે અને થોડા જ મહિનામાં બાળકને જન્મ આપશે. શોએબ ઈબ્રાહિમ અને દીપિકા હાલ પૈસે-ટકે સુખી છે પણ તેમણે સંઘર્ષના દિવસો પણ જોયા છે. શોએબ ઈબ્રાહિમે હાલમાં જ ખુલાસો કર્યો છે કે, તેણે પિતાની સારવાર કરાવવા માટે પોતાની નવી નક્કોર કાર વેચી નાખી હતી.
શોએબે કહ્યું, જ્યારથી મારો શો ઓનએર થયો છે ત્યારથી રાજવીરના પાત્ર માટે મને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. ‘અજૂની’થી મને કમબેકની તક મળી છે ત્યારે દર્શકો કાયમ આ પાત્રને પ્રેમ આપતા રહે તેવી અપેક્ષા છે. શોએબે ખુલાસો કર્યો છે કે, જ્યારે તેણે સીરિયલ ‘સસુરાલ સિમર કા’ છોડી હતી ત્યારે ખૂબ ભયભીત હતો. શોને સારી ટીઆરપી મળી રહી હતી અને પીક પર હતો ત્યારે જ તેણે છોડી દીધો હતો. શોએબે વાત આગળ વધારતા કહ્યું, *જ્યારે મેં ‘સસુરાલ સિમર કા’ છોડવાનો નિર્ણય કર્યો ત્યારે હું ડરી ગયો હતો. એ શો છોડયા પછી ત્રણ વર્ષ સુધી મારી પાસે કંઈ કામ નહોતું.
પરંતુ હું માનું છું કે તમારે જીવનમાં કંઈ મેળવવું હોય તો રિસ્ક લેવું જ પડે છે. મારે પરિવારને પણ સાચવવાનો હતો એટલે મને ખ્યાલ તો હતો કે સ્થિતિ પડકારજનક રહેશે. પરિવાર એ વખતે ભોપાલમાં હતો પરંતુ હું સૌથી મોટો છું એટલે મારા પર જવાબદારીઓ ઘણી હતી. શોએબે ‘સસુરાલ સિમર કા’માં પ્રેમનું પાત્ર ભજવ્યું હતું અને દર્શકોએ આ રોલમાં તેને ખૂબ પસંદ કર્યો હતો. તેમ છતાં તેને ત્રણ વર્ષ સુધી કામ નહોતું મળ્યું પણ તે હિંમત ના હાર્યો. પોતાના મુશ્કેલીભર્યા દિવસો યાદ કરતાં શોએેબે કહ્યું, *જ્યારે હું ‘સસુરાલ સિમર કા’ કરી રહ્યો હતો ત્યારે મેં થોડીઘણી બચત કરી હતી.
દીપિકા એ વખતે મારી અંગત મિત્ર હતી અને મને ખૂબ સપોર્ટ કરતી હતી. અમારું બોન્ડ સ્ટ્રોન્ગ હતું. શો છોડયા પછી મેં મારી જાત પર કામ કરવાનું શરૂ કર્યું. મેં મારી જાતમાં ઘણાં સુધારા કર્યા. શોએબ ઈબ્રાહિમે ટીવી શો ‘પલકોં કિ છાંવ’માં કામ કર્યું છે. આ શો માટે તેનું સિલેક્શન ભોપાલમાંથી થયું હતું. આ જ ઈન્ટરવ્યૂમાં તેણે પોતાની સ્ટ્રગલ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે, પિતાની સારવાર માટે તેણે કાર વેચી નાખી હતી. *એ ત્રણ વર્ષોમાં મને મુંબઈ શું છે તે સમજાઈ ગયું હતું. મેં સંઘર્ષને નજીકથી જોયો અને આ પહેલા મેં કયારેય સંઘર્ષ કર્યો નહોતો. મને મારો પહેલો શો ‘પલકો કિ છાંવ’ ખાસ મહેનત કર્યા વિના મળી ગયો હતો અને હું ભોપાલથી સીધો મુંબઈ આવી ગયો હતો*, તેમ તેણે ઉમેર્યું.