
સસુરાલ સિમર કા સાથે થઈ શાર્ક ટેંક ઈન્ડિયા-૨ની સરખામણી
મુંબઈ, બિઝનેસ આધારિત રિયાલિટી શો શાર્ક ટેંક ઈન્ડિયા ૨ની શરૂઆત થઈ ત્યારથી ચર્ચામાં છે. સૌથી પહેલા તો આ સીઝનમાં અશનીર ગ્રોવરની ગેરહાજરી સૌને ખટકી હતી અને તેમને પરત લાવવાની ડિમાન્ડ કરી હતી. ત્યારબાદ પીચ સાંભળીને ઈમોશનલ થતાં શાર્કને જોઈને લોકોએ ટ્રોલિંગ શરૂ કર્યું હતું અને શોની સરખામણી સાસુ-વહુની સીરિયલો તેમજ ઈન્ડિયન આઈડલ સાથે કરી હતી. શાર્ક નમિતા થાપર થોડા દિવસ પહેલા વિવાદમાં આવ્યા હતા અને પિતાની કંપનીમાં કામ કરતાં હોવાથી તેમને બિઝનેસ ઈન્ડસ્ટ્રીના અનન્યા પાંડે કહેવામાં આવ્યા હતા. હવે અનુપમ મિત્તલ ચર્ચામાં છે,
જેમણે હાલમાં પોતાની ટ્વીટ પર કોમેન્ટ કરનારા યૂઝર્સને બરાબરનો જવાબ આપ્યો હતો. વાત એમ છે કે, અનુપમ મિત્તલે પોતાના ટ્વિટર પર થોડા દિવસ પહેલા લખ્યું હતું કે, ‘શું ટ્વિટર નવું ક્વોરા બની ગયું છે?’ જેના જવાબમાં એક યૂઝરે લખ્યું હતું ‘ના પરંતુ શાર્ક ટેંક ઈન્ડિયા નવું સસુરાલ સિમર કા બની ગયું છે’. પોતાના સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતા આ શાર્કે તરત જ જવાબ આપ્યો હતો કે ‘અરે તે તમારા માટે સારું છે કારણ કે તમે સ્પષ્ટ રીતે બંને જોઈ રહ્યા છો’. જો કે, અન્ય એક યૂઝરે તેને ચેતવણી આપતાં કહ્યું હતું ‘આ વાતને ફીડબેક તરીકે લો અને આગામી સીઝનમાં તેના પર કામ કરો.
અમારી પાસે પૂરતા રોતડા શો છે જેને અમે જોવાનું ટાળીએ છીએ અને આને પણ સ્કિપ કરીશું તેમાં કોઈ મોટી વાત નથી. જો કે, શોની પહેલી સીઝન સારી હતી’. તેના જવાબમાં અનુપમે લખ્યું હતું ‘મને લાગે છે કે, શાર્ક તરીકે અમે જેવા છીએ તેવા દેખાવું પડે છે અને નિર્દોષતા જાળવી રાખવા માટે આ મહત્વપૂર્ણ છે છે.@SonyTVઅને@sharktankindiaના પ્રોડયૂસર્સ સતત સુધારાવધારા કરી રહ્યા છે. તેથી, ફીડબેક પર તેઓ ધ્યાન આપતાં હશે તેવી ખાતરી છે.
હજી સીઝન બાકી છે મારા દોસ્ત. એક યૂઝરે શાર્ક ટેંક ઈન્ડિયા ૨ની સરખાણી બિગ બોસ સાથે કરતાં લખ્યું હતું શાર્ક ટેંક બિગ બોસ બની ગયું છે. અશનીર ગ્રોવરવાળી સીઝન તેમના કન્ટેસ્ટન્ટ્સ પ્રત્યેના અનફિલ્ટર્ડ રિએક્શનના કારણે પોપ્યુલર હતી. આ વખતે શાર્ક સ્ક્રિપ્ટેડ ઝઘડાનો ઉપયોગ કરી ટીઆરપી લાવવા માટે મથી રહ્યા છે. એક યૂઝરે તો આ રિયાલિટી શોની સરખામણી ટીવી સ્ક્રિન પર ૧૪ વર્ષથી પ્રસારિત થઈ રહેલી રાજન શાહીની સીરિયલ ‘યે રિશ્તા કયા કહેલાતા હૈ સાથે કરી હતી.