રાજ ખુરાનાએ ૧૪૪ ફિલ્મોમાં પોલીસની ભૂમિકા ભજવી

ફિલ્મી દુનિયા

મુંબઈ, ફિલ્મ જગતમાં દરેક કલાકારની કોઈને કોઈ ખાસિયત હોય છે. તેની અભિનય કળા તેને કોઈ પાત્રમાં બંધ બેસાડે છે. જેમકે કોઈ કલાકારનો રોમેન્ટિક અંદાજ હોય છે, તો કોઈ વિલનના પાત્રમાં વધુ ફીટ રહે છે. કેટલાક કલાકાર સાઈડ રોલમાં જોવા મળતા હોય છે. આવી રીતે ૮૦ના દશકના જાણીતા અભિનેતા જગદીશ રાજ ખુરાનાએ પોતાની કારકિર્દીમાં એક સમાન રોલ કર્યા હતા. તેમની આ ખાસ વાતના કારણે તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. તેમની પુત્રીએ પણ ફિલ્મી પડદે સફળતા મેળવી હતી. વર્તમાન સમયે કલાકારો એક સમાન પાત્રમાં બંધાઈ રહેવા ઈચ્છતા નથી. જેથી તેઓ અલગ-અલગ ભૂમિકાઓ ભજવતા હોય છે. પરંતુ અમિતાભ બચ્ચનની ડોન ફિલ્મમાં પોલીસ ઇન્સ્પેકટરની ભૂમિકા ભજવનાર જગદીશ રાજ ખુરાનાએ પોતાની ૧૫૦માંથી ૧૪૪ ફિલ્મોમાં પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી હતી. તેઓ ફિલ્મી પડદે પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં જ જોવા મળ્યા હતા.

આજે પણ પોલીસ ઇન્સ્પેક્ટરના પાત્રની વાત આવે, ત્યારે તેમનો ચહેરો મગજમાં આવે છે. ૮૦ અને ૯૦ના દાયકામાં તેઓએ પોતાની દરેક ફિલ્મમાં પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી હતી. એક જ પાત્ર ભજવીને તેઓ એટલા જાણીતા બન્યા હતા કે તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. પોતાના પાત્ર માટે તેઓએ પોલીસની ખાખી વર્દી પણ સિવડાવી રાખી હતી. તેમણે પોતાની કારકિર્દીમાં જોની મેરા નામ, ગેમ્બલર, સુહાગ, મહેબૂબ કી મહેંદી, સીઆઇડી, કાનુન, વક્ત, રોટી, ઇત્તેફાક, સફર અને ડોન જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાંથી મોટાભાગની ફિલ્મોમાં તેઓ પોલીસની વર્દીમાં જોવા મળ્યા હતા. વર્ષ ૧૯૯૨માં જગદીશ રાજ ફિલ્મ જગતની દૂર જતા રહ્યા હતા.

જોકે, તેઓ એક્ટિંગ કેરિયરને અલવિદા કહે તે પહેલા તેમની પુત્રી અનિતા રાજે એક્ટિંગની દુનિયામાં પગ મૂકી દીધો હતો. તેની પહેલી ફિલ્મ ‘મહેંદી રંગ લાયેગી’ હતી. આ ફિલ્મ બાદ તેણે ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી હતી. તે સમયે અનિતા અને ધર્મેન્દ્રની જોડી ખૂબ જાણીતી બની હતી. અનિતાએ પોતાની કારકિર્દીમાં ૪૬ જેટલી ફિલ્મો કરી હતી. તેની અને ધર્મેન્દ્રની ‘જમાના તો હૈ નોકર બીવી કા’ ફિલ્મને આજે પણ ચાહકો પસંદ કરે છે. અહીં ઉલ્લેખનીય છે કે, જગદીશ રાજે ફિલ્મોમાં પોલીસ ઓફિસર તરીકે જેટલી વખત પાત્ર ભજવ્યું છે, તેટલી વખત કોઈ કલાકારે ભજવ્યું નથી. આ તેમનો રેકોર્ડ છે. તે સમયે તેમની ઓળખ પોલીસનું પાત્ર ભજવતા કલાકાર તરીકે થવા લાગી હતી. તેઓ પોલીસનું પાત્ર ભજવી એટલા જાણીતા બન્યા હતા કે, તેઓને રસ્તા પર ટ્રાફિક પોલીસ પણ સેલ્યુટ કરતી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.