પરિણીતીની સગાઈ માટે પ્રિયંકા ચોપરા દિલ્હી આવશે
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આપના સાંસદ રાઘવ ચઢ્ઢાની સગાઈની ચર્ચા છેલ્લા થોડા દિવસોથી ચાલી રહી છે. હવે પરિણીતી અને રાઘવની સગાઈને ૨૪ કલાક કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે. પરિણીતી અને રાઘવની સગાઈમાં ૧૫૦ મહેમાનોને આમંત્રણ અપાયું છે. દિલ્હીમાં બંનેની સગાઈ થવાની છે. ત્યારે હવે માહિતી સામે આવી રહી છે કે, પરિણીતીની સગાઈમાં હાજરી આપવા પ્રિયંકા ચોપરા પણ ભારત આવી રહી છે.
પરિણીતી અને પ્રિયંકા પિતરાઈ બહેનો છે. ત્યારે તેની સગાઈ માટે તે અમેરિકાથી આવવાની છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ કનોટ પ્લેસમાં આવેલા કપૂરથલા હાઉસમાં થવાની છે. સૂત્રોના હવાલેથી ટાંકવામાં આવ્યું છે કે, પ્રિયંકા ચોપરા ૧૩ મેની સવારે સીધી દિલ્હી આવશે. પ્રિયંકા માટે આ ટૂંકો ભારત પ્રવાસ હશે. તેણે પોતાની બહેનની સગાઈમાં હાજરી આપવા માટે બધું જ કામ બાજુ પર મૂકી દીધું છે. પ્રિયંકા ચોપરા ૧૩મી મેની સવારે દિલ્હી આવી પહોંચશે.
પ્રિયંકા સાથે તેનો સિંગર પતિ નિક જોનસ ભારત નથી આવવાનો. હવે પ્રિયંકા દીકરી માલતી મેરીને લઈને આવે છે કે કેમ તે જોવાનું રહેશે. રાઘવ અને પરિણીતીની સગાઈમાં ૧૫૦ લોકોને આમંત્રણ અપાયું હોવાની ચર્ચા છે. જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને રાજકારણની દુનિયાના લોકોના નામ છે. ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ સગાઈમાં હાજર રહેવાના છે. પરિણીતી ચોપરા મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલો આઉટફિટ જ પહેરવાની છે. પરિણીતી ચોપરા અને તેનો પરિવાર હાલ દિલ્હીમાં છે અને તેઓ સગાઈની તૈયારીમાં વ્યસ્ત છે. તેઓ સગાઈ છુપાવવા નથી માગતા પરંતુ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં થાય તેમ ઈચ્છે છે.
કપલના જીવનમાં આ મહત્વનો તબક્કો છે એટલે તેઓ આખા પરિવાર સાથે તેની શરૂઆત કરવા માગે છે, તેમ સૂત્રોએ જણાવ્યું છે. પરિણીતી ચોપરા પંજાબી છે ત્યારે ધામધૂમથી પંજાબી સ્ટાઈલમાં સગાઈ યોજાશે. *નાચગાન અને ઢોલ-નગારા સાથે પંજાબી સ્ટાઈલમાં સગાઈ યોજાશે. પેસ્ટલ થીમ પર સગાઈ થવાની છે, જે બંનેની પર્સનાલિટીને દર્શાવે છે. મહેમાનોને આ અંગે જાણકારી આપી દેવાઈ છે અને તેઓ તેનું પાલન કરશે તેવી અપેક્ષા છે*, તેમ સૂત્રોએ જણાવ્યું છે. સાથે જ મહેમાનો સગાઈની આગલી રાતથી આવવાની શરૂ થઈ જશે તેમ પણ કહેવાઈ રહ્યું છે.