
હર્ષદ અરોરાની બહેનના રોલમાં દેખાશે પ્રિયા આહુજા
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ એક્ટ્રેસ પ્રિયા આહુજા રાજદા છેલ્લા ખાસ્સાય સમયથી ટીવીના પડદેથી ગાયબ છે. જોકે, પ્રિયા હવે સ્મોલ સ્ક્રીન પર વાપસી કરવા માટે તૈયાર છે. પ્રિયા ટીવી શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેંમાં મહત્વના રોલમાં જોવા મળવાની છે. પ્રિયા શોમાં એક્ટર હર્ષદ અરોરાના પાત્ર સત્યા અધિકારીની બહેનના રોલમાં જોવા મળશે. પ્રિયા લાવણી નૃત્યકાર મેડીનું પાત્ર ભજવશે. પ્રિયા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવતી-જતી જોવા મળતી હતી
પરંતુ દીકરાના જન્મના ચાર વર્ષ બાદ તે ટીવી પડદે કોઈ લાંબા રોલમાં જોવા મળશે. આ રોલ મળતાં પ્રિયાની ખુશી સાતમા આસમાને છે. પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં પ્રિયાએ કહ્યું, હું શોમાં સત્યાની બહેનનો રોલ કરી રહી છું. તેણી લાવણી ડાન્સર છે અને તેનો આખો પરિવાર લાવણી નૃત્યકારોનો છે. હું ચાર વર્ષ પછી સીરિયલોની દુનિયામાં પાછી ફરી રહી છું ત્યારે ખૂબ ઉત્સાહિત છું. પાછા ફરવા માટે મને આટલો મોટો શો મળ્યો તેની ખુશી છે. સેટ પર લોકો ખૂબ વિનમ્ર છે અને હું ખૂબ કૃતજ્ઞ છું. શૂટના પહેલા દિવસે પ્રિયા ચિંતાતુર હતી કે કેમ? જવાબ આપતાં તેણે કહ્યું, હું સંપૂર્ણપણે કયારેય બ્રેક પર તો નહોતી જ કારણકે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આવતી-જતી રહેતી હતી.
એટલે એવું નથી કે મેં કેમેરા સામે આવવાનું બંધ કરી દીધું હતં એટલે નર્વસ નથી. હા, પણ ચાર વર્ષ પછી આ મારી પહેલી સીરિયલ છે એટલે થોડી ચિંતા છે. જોકે, ટીમ ખૂબ સારી છે. તેઓ ખૂબ હકારાત્મક અને સૌની સાથે સારો વ્યવહાર કરનારા છે. તેઓ ખૂબ સપોર્ટ કરે છે. પ્રિયાનો રોલ લાવણી ડાન્સરનો છે પરંતુ તેણે કયારેય પહેલા આ ડાન્સ ફોર્મ પર્ફોમ નથી કર્યું. આ વિશે વાત કરતાં તેણે કહ્યું, મેં મારી જિંદગીમાં કયારેય લાવણી નથી કરી પરંતુ હું આ રોલ ભજવવા તૈયાર છું. મારી ડિલિવરીના ચાર વર્ષ પછી હું કામ કરવા જઈ રહી છું. નિઃશંકપણે હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરતી હતી પરંતુ રોજેરોજ શૂટિંગ પર જવાવાળી સીરિયલ લાંબા સમય પછી હાથમાં લીધી છે. મારા કરતાં વધારે ખુશ તો મારા પતિ માલવ છે.
પ્રિયાએ એ પણ ખુલાસો કર્યો કે કઈ રીતે તેની ગેરહાજરીમાં ડાયરેક્ટર માલવ રાજદા ડેડી ડયૂટીઝ નિભાવે છે. *મારા પતિ માલવ મમ્મીની બધી જ જવાબદારી નિભાવે છે. માલવ જ અરદાસને સ્કૂલે લેવા-મૂકવા જાય છે. હું જે કરતી હતી એ બધું જ માલવ કરે છે. આ અમારા બંને માટે રોલ રિવર્સ કરવા સમાન છે. દિવસમાં એકવાર હું મારા દીકરાને વિડીયો કૉલ કરું છું કારણકે અમે તેને ફોનથી દૂર રાખવાનો પ્રયાસ કરીએ છીએ. જોકે, અરદાસ શું કરે છે તે જાણવા માટે હું સતત માલવના સંપર્કમાં રહું છું*, તેમ પ્રિયાએ ઉમેર્યું.