લોકડાઉન દરમિયાન મોતને ગળે લગાવવા માગતી હતી પ્રિયા આહુજા
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટર’નો રોલ પ્લે કરી પોપ્યુલર થયેલી પ્રિયા આહુજાએ લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં લોકડાઉન દરમિયાન તેને સુસાઈડના વિચારો આવ્યા હોવાનો ખુલાસો કર્યો હતો. એક્ટ્રેસે જણાવ્યું હતું કે, તે એ સમય દરમિયાન ખૂબ ખરાબ સમયમાંથી પસાર થઈ હતી. ઘરમાં બંધ રહેવાના કારણે તેની માનસિક સ્થિતિ પર ખરાબ અસર થઈ હતી. તેણે કહ્યું હતું કે, આ એવો સમય હતો જ્યારે માત્ર પોતાનું જ નહીં પરંતુ દીકરા અરદાસનું પણ ધ્યાન રાખવું હતું.
લોકડાઉન થયું ત્યારે માત્ર થોડા જ મહિનાનો હતો. આ સાથે તેણે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં મદદ કરનારા પતિ માલવ રાજદાનો આભાર માન્યો હતો. વાતચીતમાં પ્રિયા આહુજાએ કહ્યું હતું કે ‘આજે પણ જ્યારે હું તે દિવસો વિશે વિચારું છું તો મારા રુંવાડા ઉભા થઈ જાય છે. જ્યારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે મારો દીકરો અરદાસ ખૂબ નાનો હતો. મેં વિચાર્યું હતું કે લોકડાઉન થોડા જ દિવસમાં ખતમ થઈ જશે. પરંતુ તે સમયે અમારા પાડોશીઓને કોવિડ થયો હતો અને તે ૨૦ દિવસ સુધી રહ્યો. અમારા ફ્લોરને બંધ કરી દેવામાં આવ્યો હતો. અમે ઘર બહાર પગ પણ મૂકી શકતા નહોતા. પ્રિયા આહુજાએ આગળ કહ્યું હતું કે ‘બાદમાં મને કોરોનાનો ચેપ લાગ્યો હતો. અમે ૧૪ દિવસ બાદ ટેસ્ટ કરાવ્યો હતો, ત્યારે રિઝલ્ટ નેગેટિવ આવ્યું હતું.
પરંતુ મારા પતિનો તે સમયે ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સ્થિતિ ૪૦-૪૫ દિવસ સુધી રહી હતી. તે સ્થિતિમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ હતું. પરંતુ માલવ મારી સાથે હતા, જેમની સાથે હું બધું શેર કરતી હતી. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે હું મોતને ગળે લગાવવા માગતી હતી. હું જીવિત નહોતી રહેવા માગતી. પરંતુ મેં આપઘાત કરવાનું નહોતું વિચાર્યું કારણ કે મને ડર હતો કે હું મરીશ કે નહીં. હું કાયદા વિશે જાણુ છું અને મને ખબર છે કે આપઘાત કરવો એક ગુનો છે. પ્રિયા આહુજાએ કહ્યું હતું કે, તે પતિ માલવ રાજદાના સપોર્ટના કારણે જ તે સ્થિતિમાંથી બહાર નીકળી શકી હતી. તે બેવડું જીવન જીવી રહી હતી. ‘એક જીવન એવું હતું, જેમાં હું મજબૂત હોવાનો દેખાડો કરતી હતી, અરદાસનું ધ્યાન રાખતી હત અને બીજાની સામે ખુશ હોવાનું નાટક કરતી હતી,
પરંતુ હું અંદરથી ખુશ નહોતી. બીજી બાજુ કમજોર પ્રિયા હતી, જે મરવા માગતી હતી અને તેની આસપાસ જે કંઈ થઈ રહ્યું હતું તેનાથી ખુશ નહોતી’. હાલમાં જ એક્ટ્રેસ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં જોવા મળી હતી. તે ખૂબ ઓછા પ્રોજેક્ટ લઈ રહી છે અને ઘર પર વધારે સમય વિતાવી રહી છે. જણાવી દઈએ કે, પ્રિયા આહુજાની મુલાકાત માલવ રાજદા સાથેTMKOCના સેટ પર જ થઈ હતી, જેનો તે પ્રોડયૂસર હતો.