પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ કરી લંગર સેવા
મુંબઈ, આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા અને એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ શનિવારે અમૃતસરના સુવર્ણ મંદિરના દર્શન કર્યા હતા. લગ્ન પહેલા બંનેએ સુવર્ણ મંદિરમાં શિશ ઝુકાવ્યું હતું. હવે સોશિયલ મીડિયા પર કપલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને લોકો તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે. પરિણીતી અને રાઘવ ગુરુદ્વારામાં સેવા કરતાં જોવા મળી રહ્યા છે. તેમણે સાથે મળીને વાસણ પણ સાફ કર્યા હતા. ગુરુદ્વારામાં દર્શન કર્યા બાદ લંગર સેવાનું અનેરું મહત્વ છે.
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ લંગર સેવા કરી અને શ્રદ્ધાળુઓના એંઠા વાસણ પણ ધોયા હતા. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતાં જ ફેન્સ બંનેના ખૂબ વખાણ કરી રહ્યા છે. બંને સેલિબ્રિટીઝ હોવા છતાં આ પ્રકારે સેવા આપતાં લોકોએ પ્રશંસા કરી છે. સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા બાદ રાઘવ અને પરિણીતીએ પોતપોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ત્યાંની એક તસવીર શેર કરી હતી. તસવીર શેર કરતાં રાઘવે લખ્યું, *પવિત્ર ભજનો અને શાંતિ વચ્ચે મેં મારી આંખો બંધ કરી,
શિશ ઝુકાવ્યું અને પ્રાર્થના કરી. પરિણીતી ચોપડા મારી સાથે હોવાથી મુલાકાત વધુ ખાસ બની હતી. આજે અમૃતસરમાં સચખંડ શ્રી હરમંદિર સાહિબજીના આશીર્વાદ પામીને ધન્ય થઈ ગયો. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ ૧૩ મેના રોજ દિલ્હીમાં સગાઈ કરી હતી. જેમાં બંનેના પરિવારજનો અને નજીકના મિત્રો તેમજ કેટલીક રાજકીય હસ્તીઓ સામેલ થઈ હતી. ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા ઉપરાંત પરિણીતીની કઝિન પ્રિયંકા ચોપરા પણ સગાઈમાં ભાગ લેવા આવી હતી. પરિણીતી અને રાઘવ આ વર્ષે સપ્ટેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે લગ્ન કરી લેશે તેવી ચર્ચા છે. રાઘવ અને પરિણતી રાજસ્થાનમાં લગ્ન કરી શકે છે.