
સગાઈ દરમિયાન રોમેન્ટિક થયા પરિણીતી અને રાઘવ
મુંબઈ, છેલ્લા થોડા મહિનાઓથી આપના સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાના અફેરની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. પરિણીતી અને રાઘવ સગાઈ કરશે એવી અટકળો પણ છેલ્લા થોડા દિવસથી હતી. આ બધા પર હવે કપલે પૂર્ણવિરામ મૂકી દીધો છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ ૧૩ મેના રોજ દિલ્હીના કપૂરથલા હાઉસમાં પરિવાર, મિત્રો અને કેટલાક ખાસ મહેમાનોની હાજરીમાં સગાઈ કરી છે. પરિણીતી અને રાઘવની સગાઈ સાંજે પાંચ વાગ્યે શીખ રિવાજો પ્રમાણે શરૂ થઈ હતી. સાંજે ૬ વાગ્યે અરદાસ થઈ હતી. જીયાની હરપ્રીત સિંહજીએ પરિણીતી-રાઘવની સગાઈ કરાવી હતી.
હવે રાઘવ અને પરિણીતીની પૂજા કરતી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તસવીરમાં જોઈ શકો છો કે, રાઘવ અને પરિણીતીના માથા ઢાંકેલા જોવા મળે છે અને તેમના ગળાની ફરતે કેસરી રંગનો ખેસ જોવા મળે છે. આ તસવીરમાં પ્રિયંકા ચોપરા પણ માથે ઓઢીને કેસરી રંગના ખેસ સાથે જોવા મળી રહી છે. પરિણીતી અને રાઘવની સગાઈ માટે પ્રિયંકા ચોપરા ખાસ લંડનથી દિલ્હી આવી હતી. સગાઈ થયા પછી પ્રિયંકાએ રાઘવ અને પરિણીતી સાથે તસવીરો શેર કરતાં બંનેને અભિનંદન પાઠવ્યા હતા. પ્રિયંકાએ તસવીરો શેર કરતાં લખ્યું, *અભિનંદન તિશા અને રાઘવ. હવે તમારા લગ્ન માટે રાહ નથી જોઈ શકતી.
તમારા બંને અને પરિવારો માટે ખૂબ ખુશ છું. આખા પરિવારને મળીને ખૂબ આનંદ થયો.* જણાવી દઈએ કે, સગાઈ પૂરી થતાં જ પ્રિયંકા લંડન જવા રવાના થઈ હતી.પ્રિયંકા દીકરી માલતી મેરી અને પતિ નિક જોનસ વિના એક દિવસની ઉડતી મુલાકાતે આવી હતી. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
જેમાં તેઓ એકબીજામાં ખોવાયેલા દેખાય છે. વિડીયોમાં પરિણીતી ચોપરા ફિલ્મ ‘કેસરી’ના ગીત ‘વે માહી’ થકી રાઘવ માટે પ્રેમ વ્યક્ત કરતી અને ડાન્સ કરતી જોવા મળે છે. રાઘવ પણ પરિણીતીના ગાલ પર પ્રેમથી કિસ કરે છે અને બાદમાં તેને આલિંગન આપે છે. વિડીયોમાં પાછળ પરિણીતીના પિતા પણ જોવા મળી રહ્યા છે. કપલનો આ કયૂટ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈમાં સિંગર મિકા સિંહે રંગ જમાવ્યો હતો. ‘ગલ મીઠ્ઠી મીઠ્ઠી બોલ’ ગીત પર રાઘવ અને પરિણીતી ડાન્સ કરતા જોવા મળી રહ્યા હતા. રાઘવ અને પરિણીતી એકબીજા સાથે ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. આપના નેતા રાઘવ ચઢ્ઢાનું આ રૂપ ભાગ્યે જ કોઈએ જોયું હશે.