ભારત આવવાથી ડરી રહી છે પાકિસ્તાનની ટીમ?
મુંબઈ, ક્રિકેટપ્રેમીઓમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ છે, કારણ કે આઈસીસી વર્લ્ડ કપ ૨૦૨૩ ખૂબ જલ્દી શરૂઆત થવા જઈ રહી છે અને તેનું યજમાન ભારત છે. ટુર્નામેન્ટ ૫ ઓક્ટોબરથી શરૂ થશે અને તે પણ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં. આ દરમિયાન ૧૦ ટીમો વચ્ચે ૫૦ દિવસો સુધી કુલ ૪૮ મેચ રમાશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા મંગળવારે કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ અમદાવાદમાં ૧૫ ઓક્ટોબરે રમાવાની છે.
જો કે, પાકિસ્તાનના અહીં આવવા પર હજી પણ સસ્પેન્સ છે. પીબીસીના (પાકિસ્તાન ક્રિકેટ ટીમ) જણાવ્યા પ્રમાણે, તેમા ભાગ લેવા માટે તેમણે સરકારની મંજૂરી લેવી જરૂરી છે, જે મળી નથી. પીસીબીએ મેચ વેન્યૂ સહિત ભારતની કોઈ પણ ટુર માટે સરકારીની મંજૂરી લેવી જરૂર છે. માર્ગદર્શન માટે અમારી સરકારનો અમે સંપર્ક કર્યો છે, જેવું તેમના તરફથી કંઈક સાંભળવા મળશે કે અમે તરત જ ઈવેન્ટના સત્તાધીશોને આ વિશે જાણ કરીશું. આ સ્થિતિ તે વાતને અનુરૂપ છે જે અમે આસીસીને જણાવી હતી, જ્યારે તેમણે થોડા દિવસ પહેલા અમારી સાથે ડ્રાફ્ટ શિડયૂલ શેર કર્યો હતો અને અમારો ફીડબેક માગ્યો હતો’, તેમ પીસીબીના એક પ્રવક્તાએ કહ્યું હતું. જો કે, આસીસીને વિશ્વાસ છે કે વર્લ્ડ કપ રમવા માટે પાકિસ્તાન ચોક્કસથી ભારત આવશે.
‘પાકિસ્તાને વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. અમે ૧૦૦ ટકા અપેક્ષા રાખીએ છીએ કે તેઓ રમવા માટે ભારત જશે. તેઓ ત્યાં નહીં જાય તેવા વિપરીત સંકેત હજી સુધી મળ્યા નથી. અમારું ફોકસ મેન્સ વર્લ્ડ કપની ૧૦ ટીમોને ડિલિવર કરવા પર છે અને પાકિસ્તાન જરૂરથી તેનો ભાગ છે. બધા સભ્યોએ તેમના દેશના નિયમો તેમજ કાયદાનું પાલન કરવું પડે છે અને અમે તેનો આદર કરીએ છીએ. પરંતુ અમને વિશ્વાસ છે કે પાકિસ્તાન આ ઈવેન્ટ માટે ભારતમાં હશે’, તેમ આસીસીના પ્રવક્તાએ કહ્યું હતું. રિપોર્ટ પ્રમાણે, પીસીબી દ્વારા વર્લ્ડ કપના શિડયૂલ અને વેન્યૂ સામે કેટલાક વાંધાઓ ઉઠાવ્યા હતા,
જેને આઈસીસી દ્વારા નકારવામાં આવ્યા હતા. ખાસ કરીને અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામેની મેચો માટે સ્થળ બદલવાની પીસીબીની વિનંતીને અવગણવામાં આવી હતતી. પીસીબીએ આઈસીસી અને બીસીસીઆઈને અફઘાનિસ્તાન સામેની મેચ ચેન્નાઈથી બેંગલુરુ અને ઓસ્ટ્રેલિયા સામેની મેચને બેંગલુરુથી ચેન્નાઈમાં રિશિડયૂલ કરવા જણાવ્યું હતું. પાકિસ્તાનની ટીમ મેનેજમેન્ટને ચિંતા હતી કે, ચેપોકની (ચેન્નઈ) પિચ સ્પિનરો માટે મદદગાર હોય છે અને તેવામાં અફઘાનિસ્તા સામેની મેચમાં ટીમને નુકસાન થશે, જેમની પાસે ક્વોલિટી સ્પિનર છે.
જણાવી દઈએ કે, પાકિસ્તાન છેલ્લે ભારતમાં ૨૦૧૬માં ટી૨૦ વર્લ્ડ કપ રમ્યું હતું. બીસીસીઆઈએ મુંબઈમાં સોમવારે સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓની બેઠક બોલાવી હતી. આ એ એસોસિએશન છે જ્યાં વર્લ્ડ કપની મેચનું આયોજન કરવામાં આવે છે. આ ૧૨ શહેર અમદાવાદ, લખનઉ, હૈદરાબાદ, ધર્મશાલા, તિરુવનંતપુરમ, પુણે, ગુવાહાટી, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા અને બેંગ્લોર છે.