
જ્યારે હું બ્રેક પર હતી ત્યારે નિતેશ સતત મારા સંપર્કમાં હતો : રૂપાલી
મુંબઈ, ઘણી બધી ફિલ્મો અને સીરિયલોમાં કામ કરી ચૂકેલા નિતેશ પાંડે આ દુનિયામાં રહ્યા નથી. છેલ્લે અનુપમા શોમાં જોવા મળેલા આ એક્ટરનું મંગળવારે મોડી રાતે હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું, આ સમયે તેઓ નાસિકમાં ઈગતપુરી નજીક શૂટિંગ કરી રહ્યા હતા. તેમના અવસાનથી ક્લોઝ ફ્રેન્ડ અને સાથી કલાકાર રૂપાલી ગાંગુલી આઘાતમાં છે.
દિવંગત એક્ટર સાથેના બોન્ડ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘જ્યારે હું બ્રેક પર હતી ત્યારે ડેલનાઝ ઈરાની અને ‘સારાભાઈvs સારાભાઈ’ના કલાકારો સિવાય નિતેશ ઈન્ડસ્ટ્રીના તેવા મિત્રોમાંથી એક હતો જે સતત કોન્ટેક્ટમાં રહ્યો હતો. રુદ્રાંશના જન્મ બાદ તે મને મળવા પણ આપ્યો હતો. આ વાત હું માની શકતી નથી! તેનો દીકરો આરવ રુદ્રાંશ કરતાં થોડા જ મહિના મોટો છે. તેણે ગત અઠવાડિયે જ મને તેની પેઈન્ટિંગ વિશે મેસેજ કર્યો હતો અને અમે અમારા દીકરાને મળાવવાનું પ્લાનિંગ કર્યું હતું.
અમારી વચ્ચે શ્વાન પ્રત્યેના પ્રેમના કારણે બોન્ડિંગ મજબૂત થયું હતું. નિતેશની પત્ની અર્પિતા પ્રાણીઓની સંભાળ રાખે છે અને મારી જેમ ફીડર પણ છે. આ સમાચાર સાંભળીને હું આઘાતમાં છું. તે મારા પ્રત્યે પ્રોટેક્ટિવ હતો. તે જ્યારે અનુપમા સીરિયલમાં આવ્યો ત્યારે પણ જાણે વર્કપ્લેસ પર મારો ખાસ મિત્ર હંમેશા મારી સાથે હોવાનું લાગતું હતું. આ મહિનાની શરૂઆતમાં જ હું એક ફિલ્મ ગેટ-ટુગેધરમાં થોડી મોડી પડી હતી અને તેની કારને જતી જોઈ હતી, મેં તેને ફોન કર્યો હતો અને તેને જોયો હોવાનું કહ્યું હતું.
જે બાદ તેણે કહ્યું હતું ‘તું ઉભી રહે, હું ગાડી લઈને પાછો આવું છું’ અને મેં તને કહ્યું હતું કે ‘ના ના તું ઘરે જા, આવતા અઠવાડિયે મળીશું’. આ વાતને ત્રણ અઠવાડિયા થઈ ગયા અને હવે હું તેને કયારેય નહીં મળી શકું. મને વિશ્વાસ નથી આવી રહ્યો’, તેમ એક્ટ્રેસે ઉમેર્યું હતું. સીરિયલ ‘એક રિશ્તા સાજેદારી કા’માં નિતેશ પાંડેની કો-એક્ટ્રેસ રહી ચૂકેલી સુરભી તિવારીએ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘મને સિદ્ધાર્થ નાગરજીની ફેસબુક પોસ્ટ દ્વારા આ વિશે જાણ થઈ હતી, અમે એકબીજાને ૨૪ વર્ષથી ઓળખતા હતા. તેમણે મને નિતેશજીના નિધનની ખબર આપી હતી. મને આઘાત લાગ્યો હતો.
હજી તો માર્ચમાં જ હું તેમને મળી હતી અને ફિલ્મની ચર્ચા કરવા માટે ૧૫-૨૦ દિવસ પહેલા ફોન કર્યો હતો. નિતેશજી સારા માણસ હતા. તેઓ આ દુનિયામાં નથી તે સમાચાર મારા માટે મુશ્કેલ છે. સૌથી પહેલા આદિત્ય સિંહ રાજપૂતનું મોત થયું, તે મારો ફ્રેન્ડ નહોતો પરંતુ કેટલાક પ્રોડક્શન હાઉસમાં તેની સાથે મુલાકાત થઈ હતી, જે બાદ વૈભવી ઉપાધ્યાયનું મોત થયું,
જેને હું ઘણી પાર્ટીમાં મળી હતી અને નિતેશજી સાથે મારે પ્રોફેશનલ બોન્ડિંગ હતું. થોડા મહિનામાં ઘણા યુવાન કલાકારોના મોત થયા, એવું લાગે છે કે ઈન્ડસ્ટ્રીને કોઈની નજર લાગી ગઈ છે. આ આઘાતજનક અને અવિશ્વસનીય છે. ૯૦ના દશકાથી હું નિતેશજી સાથે કામ કરતી હતી. અમે ઘણી જાહેરાત કરી હતી અને ‘એક રિશ્તા સાજેદારી’માં આઠ મહિના કામ કર્યું હતું. અમે આઉટડોર પણ તેનું શૂટિંગ કર્યું હતું અને તેથી આખી કાસ્ટ એકબીજાની ક્લોઝ આવી ગઈ હતી’, તેમ સુરભિએ ઉમેર્યું હતું.