અનુપમાના મોટાભાગના કલાકારો છોડવા માગે છે શો

ફિલ્મી દુનિયા

મુંબઈ, પારસ કલનાવત ટીવીનો જાણીતો ચહેરો છે. હાલ પારસ કલનાવત સીરિયલ ‘કુંડલી ભાગ્ય’માં રાજવીર લૂથરાના રોલમાં જોવા મળે છે. શોમાં જનરેશન લીપ આવ્યા પછી પારસે તેમાં એન્ટ્રી કરી છે. ત્યારથી તે દર્શકોની પસંદ બની ગયો છે. કો-એક્ટર્સ શ્રદ્ધા આર્યા, સના સૈય્યદ, બસીર અલી અને અંજુમ ફકીહ સાથે પારસ ખૂબ સારું બોન્ડ ધરાવે છે.

સોશિયલ મીડિયા પર તેમની સાથે કેટલીય તસવીરો પણ શેર કરતો રહે છે. હાલમાં જ પારસે ઈન્સ્ટાગ્રામ પર ‘આસ્ક મી એનિથિંગ’ સેશન કર્યું હતું જેમાં તેણે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. એક ફેને પારસને પૂછયું કે, તે ટીવી સીરિયલ ‘અનુપમા’ કેમ છોડી દીધી? તેના જવાબમાં પારસે કહ્યું, *મને આટલો સારો શો આપવા માટે હું કાયમ મેકર્સનો આભારી રહીશ. પરંતુ મિત્રો કયાંક પહોંચવા માટે કયાંકથી નીકળવું જરૂરી છે અને મને વિશ્વાસ છે કે હું ખૂબ સારી અને શાંતિવાળી જગ્યાએ છું.

ઈમાનદારીથી કહું તો જો તક આપવામાં આવે તો ૮૦ ટકા કલાકારો ‘અનુપમા’ છોડવા માગશે. પરંતુ રિસ્ક લેવાની અને સત્ય માટે લડવાની તાકાત બધામાં નથી હોતી. ઉલ્લેખનીય છે કે, ‘અનુપમા’ સીરિયલ સાથે પારસ શરૂઆતથી જ જોડાયેલો હતો. તેણે સમર શાહનું પાત્ર ભજવ્યું હતું. ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા ૧૦’માં ભાગ લેવા માટે પારસે આ શો છોડી દીધો હતો. જે બાદ મેકર્સ સાથેનો તેનો વિખવાદ પણ સામે આવ્યો હતો. પારસે જણાવ્યું હતું કે, આ શો છોડવો તેના માટે સરળ નહોતો.

જણાવી દઈએ કે, રાજન શાહીના આ શોમાં રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, સુધાંશુ પાંડે લીડ રોલમાં જોવા મળે છે. અનુપમા’ સીરિયલ છોડયા પછી પારસે કહ્યું હતું કે, તેના પાત્ર માટે કંઈ ખાસ કરવાનું હતું નહીં. તેને સીનમાં બેકગ્રાઉન્ડમાં ઊભો રાખવામાં આવતો હતો અને તે એવો એક્ટર નહોતો બનવા માગતો. પારસે કહ્યું હતું કે, તેને અહેસાસ થયો કે, ‘ઝલક દિખલા જા ૧૦’ આગળ વધવાની તક આપી શકે છે અને એટલે જ તેણે ‘અનુપમા’ સાથે છેડો ફાડયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.