
પૂર્વ ક્રિકેટર અજય જાડેજા માટે ધડકતું હતું માધુરીનું દિલ
મુંબઈ, બોલિવૂડની ધક ધક ગર્લનું નામ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અજય જાડેજા સાથે જોડાઇ ચુકયું છે. અહેવાલો અનુસાર, એક સમય હતો જ્યારે માધુરી દીક્ષિતે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરને ફિલ્મોમાં રોલ અપાવવા માટે બોલિવૂડ નિર્માતાઓનો સંપર્ક પણ કર્યો હતો. કહેવાય છે કે માધુરી દીક્ષિત પણ અજય જાડેજા સાથે લગ્ન કરવા માંગતી હતી. તે છતા આ બંનેની લવસ્ટોરી અધૂરી રહી ગઇ. આવો અમે તમને જણાવીએ કે આ પ્રેમ કહાણી કેવી રીતે શરૂ થઈ અને તેમનો પ્રેમ તેના અંત સુધી કેમ ન પહોંચી શકયો.
માધુરી દીક્ષિત ૮૦ અને ૯૦ના દાયકાની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક હતી. લગ્ન પછી યુએસએ શિફ્ટ થયેલી માધુરીનું નામ સંજય દત્ત, જેકી શ્રોફ અને મિથુન ચક્રવર્તી જેવા કલાકારો સાથે જોડાયું હોવાની અફવા હતી. પરંતુ શું તમે જાણો છો કે માધુરી ભારતીય ક્રિકેટર અજય જાડેજાને ડેટ કરી રહી હોવાની પણ અફવા હતી. અહેવાલો અનુસાર, માધુરી દીક્ષિત એક સમયે અજય જાડેજાના પ્રેમમાં પાગલ હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. માધુરી દીક્ષિત અને અજય જાડેજાના પ્રેમની શરૂઆત ફિલ્મફેર ફોટોશૂટ દરમિયાન થઈ હતી. બંનેએ ફિલ્મફેર ફોટોશૂટ માટે ખૂબ જ રોમેન્ટિક પોઝ આપ્યા હતા અને ત્યારથી બંને વચ્ચે ડેટિંગના સમાચારો ઉડવા લાગ્યા હતા. ઘણા અહેવાલો સામે આવ્યા હતા કે માધુરી દીક્ષિતે અજય માટે ફિલ્મ નિર્માતાઓ સાથે વાત કરી હતી. કારણ કે અજય ફિલ્મોમાં કામ કરવા માંગતો હતો. માધુરી દીક્ષિત અને અજય જાડેજા વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું હતું
પરંતુ અચાનક તેમના સંબંધોમાં નાટકીય વળાંક આવ્યો. અજય જાડેજાના ક્રિકેટ પ્રદર્શનમાં અચાનક ઘટાડો થયો હતો, જેની અસર તેમના સંબંધો પર પણ જોવા મળી હતી. આ સિવાય ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું હતું કે પરિવાર પણ તેમના સંબંધો તૂટવાનું કારણ હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજય જાડેજા રોયલ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. જ્યારે માધુરી બ્રાહ્મણ મધ્યમવર્ગીય પરિવારની હતી. આવી સ્થિતિમાં અજયના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો. માધુરી અને અજયના સંબંધોનો અંત ત્યારે આવ્યો જ્યારે ક્રિકેટર ૧૯૯૯માં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની સાથે મેચ ફિક્સિંગમાં દોષી સાબિત થયો હતો.
અજય જાડેજા પર પણ પ્રતિબંધ હતો અને માધુરીનો પરિવાર પણ તેનાથી ખુશ નહોતો. આવી સ્થિતિમાં માધુરી દીક્ષિતનો પરિવાર પણ પાછળથી આ સંબંધની વિરુદ્ધ થઈ ગયો હતો. આ પછી માધુરી દીક્ષિતે અજય જાડેજા સાથેના તમામ સંપર્કો ખતમ કરી દીધા હતા. માધુરી અમેરિકા ગઈ અને ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા અને પછી ત્યાં જ સ્થાયી થઈ ગઇ હતી. લગ્નના ઘણા વર્ષો પછી માધુરી મુંબઈ પાછી આવી અને હવે અહીં પતિ સાથે સેટલ થઈ ગઈ છે. બીજી તરફ અજય જાડેજાના લગ્ન પ્રખ્યાત રાજકારણી જયા જેટલીની દીકરી અદિતિ જેટલી સાથે થયા હતા.