
તમારા માટે પ્રેમ અને સન્માન : શાહરૂખ ખાન
મુંબઈ, ઓસ્ટ્રેલિયાએ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારતને હરાવીને ૨૦૨૩ વન-ડે વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. જો કે ટીમ ઈન્ડિયાએ પણ આખા વર્લ્ડ કપ દરમિયાન પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું, પરંતુ તે વર્લ્ડ કપ ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી હતી. ભારતીય ક્રિકેટ ટીમની હારથી સમગ્ર દેશ ખૂબ જ દુઃખી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાનું મનોબળ વધારવા માટે ઘણા સેલેબ્સ આગળ આવ્યા છે. બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતીય ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરી છે. બોલિવૂડના બાદશાહે ભારતીય ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરવા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
શાહરૂખ ખાને મેચ બાદ રવિવારે રાત્રે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું હતું કે જે રીતે ભારતીય ટીમે આખી ટુનામેન્ટ્સ રમી છે તે સન્માનની વાત છે અને તેમણે ખૂબ દઢતા અને જુસ્સો બતાવ્યો છે. આ એક રમત છે અને તેમાં હંમેશા એક કે બે દિવસ ખરાબ હોય છે. કમનસીબે આજે આવું થયું…પરંતુ ક્રિકેટમાં અમારી રમતના વારસા પર અમને ગર્વ કરાવવા બદલ ટીમ ઈન્ડિયાનો આભાર…તમે સમગ્ર ભારત માટે ખૂબ જ ખુશીઓ લાવ્યા. પ્રેમ અને આદર. તમે અમને એક ગૌરવપૂર્ણ રાષ્ટ્ર બનાવો છો.
નોંધનીય છે કે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપની ફાઈનલ મેચ જોવા માટે ઘણા બોલિવૂડ સેલેબ્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન પણ ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે પોતાના આખા પરિવાર સાથે સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો. જો કે, ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ ૨૦૨૩ જીતવાનું ચૂકી ગઈ અને ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર વર્લ્ડ કપ ટ્રોફી જીતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની આ હારથી બધા ચોંકી ગયા છે.