
પ્રીતિ ઝિન્ટાને કામમાં મદદ કરી રહ્યો છે નાનકડો દીકરો જય
મુંબઈ, પ્રીતિ ઝિન્ટા ભલે ઘણા વર્ષોથી ફિલ્મી પડદાથી દૂર હોય પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે ફેન્સ સાથે કનેક્ટ રહે છે. તે ઘણીવાર તેની ઓર્ગેનિક ખેતીની ઝલક દેખાડતી રહે છે તો કયારેક પતિ અને બંને બાળકો- દીકરી જીયા અને દીકરા જય સાથેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. શુક્રવારે તેણે ઈન્સ્ટાગ્રામ પર દોઢ વર્ષના દીકરાની ખૂબ જ કયૂટ ક્લિપ શેર કરી છે, જેમાં તે હાથમાં કપડું લઈને જમીન પર ભાખોડિયા ભરતા-ભરતા પોતા મારતો જોવા મળ્યો.
આ વીડિયોની સાથે એક્ટ્રેસે દીકરો અત્યારથી જ કામમાં તેની કેટલી મદદ કરી રહ્યો છે તે અંગે મજાક કરતાં લખ્યું છે. પ્રીતિ ઝિન્ટાનો દીકરો ભાંખોડિયા ભરીને ચાલતા શીખી ગયો છે. એક્ટ્રેસે જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે બ્લૂ કલરના ટીશર્ટ અને પેન્ટમાં જોવા મળી રહ્યો છે. આ સાથે તેણે યલ્લો કલરના શૂઝ પહેર્યા છે. તે ફટાફટ ચાલી રહ્યો છે અને હાથમાં રહેલા પોતાથી સફાઈ કરી રહ્યો છે. ક્લિપમાં તેનો ચહેરો દેખાઈ રહ્યો નથી. કેપ્શનમાં તેણે લખ્યું છે ‘જ્યારે તમે તમારા નાના બાળકને સફાઈ કરતાં અને મમ્મીની મદદ કરતાં જુઓ છો ત્યારે ખુશી મળે છે. અહીંયા જુઓ આ નાનકડો જય ‘સ્વચ્છ ભારત’ માટે પ્રેક્ટિસ કરી રહ્યો છે’.
પ્રીતિના ફેન્સના જયનો વીડિયો ખૂબ જ પસંદ આવ્યો છે અને તેને ‘કયૂટ’ ગણાવ્યો છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાનીએ રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યું છે. તો એક યૂઝરે લખ્યું છે ‘પરંતુ તે નાના હોય ત્યારે જ મદદ કરે છે’, એક યૂઝરે કોમેન્ટ કરી છે ‘તારો દીકરો તારા કામનું ભારણ ઓછું કરી રહ્યો છે’ તો એકે લખ્યું ‘તેણે સારો પ્રયાસ કર્યો પરંતુ ફ્લોર પહેલાથી જ ક્લીન હતો’ અન્ય એક યૂઝરે લખ્યું છે ‘ખબર નહીં પણ કેમ નાના બાળકોને પોતા કરવાની મજા આવે છે. મારો દીકરો પણ આમ જ કરે છે. પ્રીતિ ઝિન્ટાએ ૨૦૧૬માં જેને ગુડઈનફ સાથે લગ્ન કર્યા હતા અને ત્યારથી જ તે અમેરિકાના લોસ એન્જલસમાં સ્થાયી થઈ ગઈ છે.
નવેમ્બર ૨૦૨૧માં એક્ટ્રેસના ત્યાં સરોગસીથી જુડવા બાળકોનો જન્મ થયો હતો. બંને દોઢ વર્ષના થઈ ગયા છે પરંતુ તેણે હજી સુધી કોઈનો ચહેરો ફેન્સને દેખાડયો નથી. પ્રીતિ ઝિન્ટાના લગ્નને સાત વર્ષ થઈ ગયા છે. વેડિંગ એનિવર્સરી પર તેણે પતિ સાથેની કેટલીક યાદગાર ક્ષણોનો વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે ‘હેપ્પી એનિવર્સરી મારા પ્રેમ, આપણા લગ્નને સાત વર્ષ થઈ ગયા હજી મને વિશ્વાસ નથી આવી રહ્યો. આપણી આવનારી તમામ એનિવર્સરી ઘણી ખુશી અને અદ્દભુત યાદોથી ભરેલી રહે’.