
કચ્છની કોમલ ઠક્કર કાન્સ ફેસ્ટિવલમાં પહોંચી
મુંબઈ, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી કોમલ ઠક્કર કાન્સ ફેસ્ટિવલમાં પહોંચી છે. કાન્સ ફેસ્ટિવલમાં પહોચવું એ દરેક કલાકાર માટે એક સપના જેવું હોય છે. ત્યારે કોમલની કાન્સ ફેસ્ટિવલની એન્ટ્રીને લઈને સૌ કોઈ તેનાં વખાણ કરી રહ્યા છે. રેડ કાર્પેટ પર પહોંચેલી કોમલ ઠક્કર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે નવા દ્વાર ખોલ્યા છે. આ અંગે વાતચીત કરતા કોમલ ઠક્કરે જણાવ્યું હતું કે, ‘રેડ કાર્પેટ પર ગ્રેસ કરવા માટે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી હું એકમાત્ર અભિનેત્રી છું. હું મારા દેશ, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને વૈશ્વિક ફિલ્મ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા બદલ ગૌરવ અનુભવું છું. રેડ કાર્પેટ પર જે ગાઉન પહેર્યું હતું તે ઈસ્તંબુલ તુર્કીના ફૌદ સરકીસે ડિઝાઈન કર્યું છે. જ્યારે મારા ઓર્નામેન્ટસ લંડનની મોના ફાઈન જલેવરી દ્વારા બનાવાવમાં આવ્યા છે.
મારો અલગ લૂક ભારતીય ડિઝાઈનર નિકેતા ઠક્કર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. કાન્સ વિશ્વભરના મહત્વાકાંક્ષી અભિનેતાઓ, અભિનેત્રીઓ અને ફિલ્મ નિર્માતાઓ માટે પ્રેરણારુપ છે. કચ્છી ગુજરાતણ અભિનેત્રી કોમલ ઠક્કર સતત બીજા વર્ષે ૭૬મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમકી છે. જેણે તેના ટ્રેલબ્લેઝિંગ સ્ટેટસને મજબૂત બનાવ્યું હતું. તેને કારણે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોમલ ઠક્કરના વખાણ ચારેકોર થઈ રહ્યા છે. ખરેખરમાં ગુજરાતી ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ સારી રીતે ભજવીને કોમલે પોતાની અભિનય પ્રતિભા ખૂબ જ સરસ રીતે સાબિત કરી બતાવી છે.
મૂળ કચ્છની અભિનેત્રી કોમલ ઠક્કરે ૨૦૦૪માં મિસ કચ્છનો ખિતાબ જીત્યો હતો. વર્ષ ૨૦૧૧માં કોમલ ઠક્કરે સપોર્િંટગ એક્ટર તરીકે ગુજરાતી ફિલ્મ ‘હૈયાના હેત જન્મો જનમના’થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. કોમલ ઠક્કરે ગુજરાતી ફિલ્મ મહીસાગરના સોગંદ, સહિયરની ચૂંદડી, ભડનો દીકરો, રજવાડી બાપુને રંગ છે,
રઘુવંશી, મારા ટોડલે બેઠો મોર કાં બોલે, સાવજ સહિત અન્ય ફિલ્મોમાં ખૂબ જ શાનદાર અભિનય કર્યો છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨ના રેડ કાર્પેટ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, નરગીસ ફક્રી, ઉર્વશી રૌતેલા અને અદિતિ રાવ હૈદરીએ ફરી એકવાર અદાથી જાદુ પાથર્યો હતો. બોલિવૂડ એભિનેત્રીઓની સાથે-સાથે ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે પણ રેડ કાર્પેટ પર વોક કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. આ સાથે જ કોમલ ઠક્કર કાન્સમાં વોક કરનારી આ પહેલી ગુજરાતી અભિનેત્રી બની ગઈ હતી.