
તૈમૂર અને જેહ દયાળુ બને તેમ ઈચ્છે છે કરીના કપૂર
મુંબઈ, છેલ્લે આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળેલી કરીના કપૂર તેના રેડિયો શો વોટ વુમન વોન્ટની એક નવી સીઝન લઈને આવી છે. આ શોમાં તે અલગ-અલગ મહેમાનો સાથે મહિલાઓ અને સમાજમાં હજી પણ પ્રવર્તી રહેલી જૂની રૂઢી અંગે વાત કરતી રહે છે. હાલમાં જ ઈન્ડસ્ટ્રીમાં ૨૨ વર્ષ પૂરા કરનારી બેબોનું કહેવું છે કે, તે એક્ટ્રેસ સિવાય બીજું કંઈ હોઈ શકે નહીં. તેણે કહ્યું કે, તે અગાઉ ઘણીવાર કહી ચૂકી છે કે તેણે વકીલ બનવાનો પ્રયાસ કર્યો હતો અને પાંચ દિવસ લૉ કોલેજમાં પણ ગઈ હતી. પરંતુ તે કેમેરાની સામે પોતાને ન હોવાની કલ્પના કરી શકતી નથી.
આ જ ઈન્ટરવ્યૂમાં તેણે બે નાના દીકરા- તૈમૂર અને જેહનો ઉછેર કરવા અંગેના દબાણ વિશે પણ જણાવ્યું હતું. ફિલ્મ કમ્પેનિયનને આપેલા ઈન્ટરવ્યૂમાં કરીના કપૂરે ‘ટેરિબલ ટુ’ સાથે ડીલ કરવી કેટલી મુશ્કેલ છે તેના વિશે વાત કરી. તેણે કહ્યું કે, જેહ રોજ સવાર-સાંજ ચીસો પાડતો રહે છે અને તેણે ઘરમાં જ વોકિંગ અને યોગાસન કરવાના હોય છે. ‘જેહ ગમે ત્યારે બૂમો પાડવા લાગે છે. મહિલાઓનો શું જોઈએ તે આપણે જાણીએ છીએ પરંતુ નાના બાળકોને શું જોઈએ છે તે આપણે જાણતા નથી’, તેમ તેણે ઉમેર્યું. કરીના કપૂરે કહ્યું કે તે બ્લૂપ્રિન્ટ પ્લાનમાં માનતી નથી કારણ કે પહેલાથી ઘણું દબાણ અને મફતનું જ્ઞાન છે.
તેથી તે હંમેશા તેના બાળકો દયાળુ અને સારા બને તેમ ઈચ્છતી હોવાનું પતિ સૈફને કહેતી રહે છે. કારણ કે, આજના સમયમાં દયા લોકો ભૂલી ગયા છે. કરીના એક્ટ્રેસ હોવાની સાથે-સાથે હોમમેકર પણ છે. બેબોએ કબૂલાત કરી કે, ઘરે દરેક વિભાગ તે જ સંભાળે છે. બાળકોની પ્લેડેટથી લઈને જમવામાં શું બનશે ત્યાં સુધી. તેને ઘર સંભાળવું ગમે છે. ઘરે જ્યારે મહેમાન આવે ત્યારે તેને ટેબલ સાફ કરવાનું અને ટેબલને સજાવવાનું ગમે છે. પરિવાર તરીકે પટૌડીઓને હંમેશા સાથે રહેવું ગમે છે જે કરીના કપૂરના મતે ‘અમૂલ્ય’ છે.
તેણે કહ્યું કે, જ્યારે સૈફ કૂકિંગ કરતો હોય ત્યારે તેના બંને બાળકો તેને જોવા માટે રસોડામાં આવી જાય છે. ડિઝનીલેન્ડ જવાના બદલે પરિવારને સાથે જોવો તેના માટે કિંમતી છે. જણાવી દઈએ કે, એક્ટ્રેસ હાલ પરિવાર સાથે સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર ખૂબ જલ્દી સુજોય ઘોષની ફિલ્મ ‘ધ ડીવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’માં જયદીપ અહલાવત અને વિજય વર્મા સાથે મળશે. આ પ્રોજેક્ટ થકી તે ઓટીટી પ્લેટફોર્મ પર પણ ડેબ્યૂ કરશે. આ સિવાય તેની પાસે હંસલ મહેતાની અનટાઈટલ્ડ ફિલ્મ છે તો રિયા કપૂરની ફિલ્મ ‘ધ ક્રૂ’ પણ ઝોળીમાં છે.