ઉલ્ટા ચશ્માના જેઠાલાલના બાપુજી બુલેટ પર દેખાયા
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો હંમેશા કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. કયારેક નવા એક્ટરની એન્ટ્રી તો કયારેક જૂના એક્ટરની એક્ઝિટ…. કયારેક ટ્રોલિંગ તો કયારેક એપિસોડમાં દેખાડવામાં આવતી હજમ ન થાય તેવી વાતો. આ શો છેલ્લા દોઢ મહિનાથી તેના ત્રણ પૂર્વ એક્ટર્સે મેકર્સ પર લગાવેલા આરોપના કારણે લાઈમલાઈટમાં છે, જ્યારે બાકીની ટીમે આ અંગે મૌન સાધીને રાખ્યું છે. આ દરમિયાન અમિત ભટ્ટ, જેઓ શોમાં બાપુજીનું પાત્ર ભજવવા માટે જાણીતા છે, તેમણે એક એવી તસવીર શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. આ તસવીર પર યૂઝર્સે પણ ફની રિએક્શન આપ્યા હતા.
સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે, ઓનસ્ક્રીન તેઓ જે કપડામાં જોવા મળે છે તેવા કપડા તેમણે નથી પહેર્યા. તેઓ શોમાં ધોતી અને કુર્તો પહેરે છે. જ્યારે તસવીરમાં તેઓ ટીશર્ટ-ડેનિમ અને ટોપીમાં દેખાયા. અમિત ભટ્ટે જે તસવીર શેર કરી હતી, તેમા તેમણે બુલેટ પર બેસીને પોઝ આપ્યો હતો. તેમને આ રીતે જોઈ યૂઝર્સને મસ્તી સૂજી હતી. એક યૂઝરે લખ્યું હતું ‘માધવી બેટા શાંતિથી ગાડી પર બેસી જા’, એક યૂઝરે લખ્યું હતું ‘સરપંચની દીકરી સાથે લગ્ન કર્યા હોત તો દહેજમાં આ મળત’, એકે મજાક કરતાં લખ્યું હતું ‘દેખો દેખો કોન આયા. ગોકુલધામ કા ડોન આયા’.
એક્ટર ધોતીના બદલે પેન્ટમાં દેખાતા એક યૂઝરે લખ્યું હતું ‘બાપુજી તમારી ધોતી કયાં ફસાઈ ગઈ’, એકે કોમેન્ટ કરી હતી ‘ચાચાજી માધવીને મળવા જતા હોય એમ લાગે છે’ તો અન્ય એકે લખ્યું હતું ‘બાપુજી આ તમે કઈ લાઈનમાં આવી ગયા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ટીવી સ્ક્રીન પર છેલ્લા એક દશકાથી રાજ કરી રહ્યો છે. તેની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે. પરંતુ શો હાલમાં ત્યારે કોન્ટ્રોવર્સીમાં ફસાયો હતો જ્યારે ૧૫ વર્ષ સુધી રોશનભાભીના રોલમાં જોવા મળેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલે મેકર્સ પર ગેરવર્ણતૂક તેમજ શારીરિક અને માનસિક શોષણનો આરોપ લગાવ્યો હતો. ગત મહિને અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે ‘મારે જાહેરમાં માફી જોઈએ છે. મેં વકીલની મદદ લીધી હતી.
૮ માર્ચે મેં આસિત મોદી, સોહેલ રામાણી અને જતિન બજાજને નોટિસ મોકલી હતી. મેં મેઈલ પણ કર્યો હતો અને તે તમામ સરકારી સત્તાધીશોને મોકલ્યો હતો. મેં આ અંગે હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી પરંતુ મને ખાતરી છે કે, તેઓ આ અંગે ધ્યાન આપી તપાસ કરી રહ્યા હશે. જે બાદ જૂની બાવરી ઉર્ફે મોનિકા ભદોરિયા જેનિફરના સપોર્ટમાં આવી હતી અને સેટ પર મહિલા કલાકારોને કામ વગર બેસાડી રાખવામાં આવતી હોવાનો દાવો કર્યો હતો. આ સાથે તેણે કહ્યું હતું કે, પ્રોડક્શન હાઉસમાં સૌથી ખરાબ વ્યક્તિ કોઈ હોય તો તે છે સોહેલ રામાણી. તેના કહેવા પ્રમાણે, તેણે તો ઘનશ્યામ નાયકને (નટુકાકા) પણ નહોતા છોડયા. તેમના પર પણ તેણે બૂમો પાડી અપમાનિત કર્યા હતા.