
રણબીર દીકરી રાહાને કયાં સુધી મીડિયાથી દૂર રાખશે?
મુંબઈ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગત વર્ષે ૬ નવેમ્બરના રોજ દીકરીના પેરેન્ટ્સ બન્યા હતા. રણબીર અને આલિયાની દીકરીનું નામ રાહા છે. રણબીર અને આલિયાએ મીડિયાના ફોટોગ્રાફર્સને વિનંતી કરી હતી કે તેઓ તેમની દીકરીની તસવીરો થોડા વર્ષો સુધી ક્લિક ના કરે. એક્ટરે મજાકમાં એવું પણ કહ્યું હતું કે, તે નથી ઈચ્છતો કે મોટી થયા પછી રાહા એવું કહે કે, તેના કઝિન્સ તૈમૂર અને જેહની જેમ તેની તસવીરો કેમ કોઈ ક્લિક નથી કરતું.
રણબીર કપૂર હાલમાં જ કઝિન કરીના કપૂર ખાનના રેડિયો શોમાં મહેમાન બનીને પહોંચ્યો હતો. એ વખતે તેણે દીકરી રાહાની પ્રાઈવસી અંગે વાત કરતાં કહ્યું હતું, પેરેન્ટ્સ તરીકે અમે રાહાની પ્રાઈવસીની સુરક્ષાનો શકય હોય તેટલો પ્રયાસ કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે તેનો ઉછેર પણ સામાન્ય બાળકની જેમ થાય. તે સ્કૂલે જાય અને તેને એવું ના લાગવું જોઈએ કે, તે વિશેષાધિકાર ધરાવે છે કે અન્ય બાળકો કરતાં અલગ છે. તેને નોર્મલ જિંદગી મળવી જોઈએ. અમે કોઈ એવા કડક નિયમો નથી બનાવ્યા. ૪-૫ વર્ષ પછી રાહા એવું ના કહેવી જોઈએ કે તેના ફોટો કેમ કોઈ ક્લિક નથી કરતું.
શોના પ્રોમોમાં રણબીર કહે છે કે, રાહા એવું ના કહે કે, જુઓ તૈમૂર અને જેહની તો કેટલી તસવીરો લે છે અને મારી તો કોઈ નથી ખેંચતું.* રણબીરે કરીના અને સૈફના મોટા દીકરા તૈમૂરને જન્મ સમયથી મળી રહેલા મીડિયા અટેન્શન વિશે પણ વાત કરી હતી. રણબીરે કહ્યું કે, કોઈપણ ઈન્ડસ્ટ્રીમાં એક બાળકનું આટલું અટેન્શન મળ્યું હોય એવું જોયું નથી. તેણે કહ્યું કે, તે અને આલિયા જાણે છે કે તેઓ એક્ટર હોવાથી લોકોને તેમની જિંદગી વિશે જાણવામાં રસ હશે.
*અમે રાજાની જેમ મહેલમાં બેસીને આ ના કરશો, પેલું ના કરશો તેવું નથી કરવા માગતા*, તેમ એક્ટરે જણાવ્યું. ઉલ્લેખનીય છે કે, આલિયા અને રણબીર ઉપરાંત પ્રિયંકા ચોપરા અને નિક જોનસ તેમજ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પણ તેમના બાળકોની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે મીડિયાને તેમની તસવીરો ના ખેંચવાની વિનંતી કરી હતી. જોકે, થોડા દિવસ પહેલા જ પ્રિયંકા અને નિકે તેમની દીકરી માલતી મેરી ચોપરા જોનસનો ચહેરો એક ઈવેન્ટ દરમિયાન બતાવ્યો હતો. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.