મેગા પ્રિન્સેસનું દાદા ચિરંજીવીના ઘરે ગ્રાન્ડ વેકલમ
મુંબઈ, રામ ચરણ અને ઉપાસના કામિનેની લગ્નજીવનના ૧૧ વર્ષ બાદ પેરેન્ટ્સ બન્યા છે. ૨૦ જૂને તેમના ઘરે દીકરીનો જન્મ થયો. સ્ટાર વાઈફને ૧૯ જૂને સાંજના સમયે હૈદરાબાદની જાણીતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને મધરાતે બાળકને જન્મ આપ્યો હતો. હવે ચાર દિવસ બાદ ન્યૂ મોમ અને દીકરી બંનેને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા ત્યારે રામ ચરણે નવજાત દીકરીને તેડી હતી અને પત્નીનો હાથ પણ પકડીને રાખ્યો હતો.
તેણે પ્રાઈવસી જાળવી રાખવા માટે દીકરીનો ચહેરો છુપાવી રાખ્યો હતો. કપલની સાથે એક્ટરના મમ્મી સુરેખા પણ હતા. રામ ચરણે પત્ની અને દીકરીને કારમાં બેસાડી હતી અને બાદમાં મીડિયા સાથે વાત કરતાં બંનેની હેલ્થ સારી હોવાનું જણાવ્યું હતું. ઉપાસના અને રામ ચરણના બાળકના આગમનની તૈયારી શનિવારે જ શરૂ કરી દેવામાં આવી હતી. ન્યૂ પેરેન્ટ્સ સૌથી પહેલા હેન્ડક્રાફ્ટ ઘોડિયું લઈને આવ્યા હતા, જે હ્યુમન ટ્રાફિકિંગના સર્વાઈવરે બનાવ્યું છે. ઇઇઇના સિંગર કાલ ભૈરવ એક્ટરના બાળક માટે સ્પેશિયલ સોન્ગ પણ ક્રિએટ કર્યું હતું. ‘મેગા પ્રિન્સેસ’, જે નામ દાદા ચિરંજીવી દ્વારા આપવામાં આવ્યું છે તેનું આગમન થતાંની સાથે જ હોસ્પિટલમાં સેલિબ્રેશન થયું હતું. દાદા ચિરંજીવી, દાદી, અલ્લુ અરવિંદ અને તેની પત્ની, અલ્લુ અર્જુન, વરુણ તેજ, રામ ચરણની બહેનો સુષ્મિતા, શ્રીજા, નિહારિકા કોનિડેલા સહિતના પરિવારના સભ્યો હોસ્પિટલે આવી પહોંચ્યા હતા. ફેન્સ પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ બહાર ભેગા થયા હતા,
જ્યાં તેમણે ફટાકડા ફોડયા હતા, ઢોલ વગાડયો હતો અને એકબીજાને મીઠાઈ પણ ખવડાવી હતી. જણાવી દઈએ કે, રામ ચરણ આમ તો અલગ રહેતો હતો પરંતુ પત્ની ઉપાસના પ્રેગ્નેન્ટ થતાં તેઓ બંને ચિરંજીવીના ઘરમાં શિફ્ટ થયા હતા. તેમના બાળકને દાદા-દાદીની હૂંફ અને વ્હાલ મળે તેમ તેઓ ઈચ્છતા હતા. મેગાસ્ટારે પૌત્રીના જન્મની જાહેરાત પણ ખાસ અંદાજમાં કરી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું હતું ‘વેલકમ લિટલ મેગા પ્રિન્સેસ!! તે તારા આગમન સાથે મેગા પરિવારના લાખો લોકોમાં આનંદ ફેલાવ્યો છે. તે તારા મમ્મી-પપ્પા અને દાદા-દાદીને ખુશી અને ગર્વનો અનુભવ કરાવ્યો છે’. આ સાથે તેમણે બાળક વિશે વધુ કેટલાક ખુલાસા પણ કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે ‘બાળકનો જન્મ વહેલી સવારે ૧.૪૯ થયો. અમારા મનપસંદ મંગળવારે બાળકનો જન્મ થયો તેનો આનંક છે. કહેવાય છે કે, તેનો જન્મ શુભ સમયે થયો છે અને તેની કુંડળી અદ્દભુત છે. ઉપાસનાએ દીકરીને જન્મ આપ્યો તે બાદ તરત જ હોસ્પિટલમાંથી એક ફોટો વાયરલ હતો હતો, તે મેગા પ્રિન્સેસનો હોવાનો દાવો કરાયો હતો. જો કે, રામ ચરણની મેનેજરે આ અંગે સ્પષ્ટતા કરતા વાયરલ ફોટોમાં કપલની દીકરી ન હોવાનું કહ્યું હતું.