
૬૦ વર્ષની લાસ્ટ સ્ટેજ કેન્સર પેશન્ટની આખરી ઈચ્છા પૂરી કરી
મુંબઈ, બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન તેની ઉદારતા માટે જાણીતો છે. અભિનેતા જેટલો મોટો સુપરસ્ટાર છે તેટલો જ તે પોતાના ચાહકોનું પણ ધ્યાન રાખે છે. તેણે ફરી એકવાર બીમાર દર્દીની મદદ કરીને બધાના દિલ જીતી લીધા છે. શાહરુખને કરોડો ચાહકો મળવા માંગે છે. તેવી જે રીતે તેની એક ચાહકે જીવનમાં એક વખત શાહરુખને મળવાની ઈચ્છા વ્યક્ત કરતી હતી. જેથી શાહરુખે પોતાની આ ૬૦ વર્ષીય ફેનને વીડિયો કોલ કરીને સૌને ચોંકાવી દીધા હતા.
આ દરમિયાન શાહરૂખે તે ચાહકને મળવાનું વચન તો આપ્યું જ હતું, તે સાથે તેની સારવારમાં મદદ કરવાની વાત પણ કરી હતી. સૂત્રોના મત મુજબ શાહરૂખને સોશિયલ મીડિયા દ્વારા શિવાની વિશે જાણ થતાં જ તેનો સંપર્ક કરવા વીડિયો કોલ કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે લગભગ ૪૦ મિનિટ સુધી વાતચીત થઈ હતી. પશ્ચિમ બંગાળના ખરદાહની રહેવાસી શિવાની ચક્રવર્તી નામની ૬૦ વર્ષીય દર્દી છેલ્લા ઘણા સમયથી ટર્મિનલ કેન્સર સામે ઝઝૂમી રહી છે. જો કે તેનું સપનું હતું કે જીવનમાં એકવાર તે કિંગ ખાન મળે.
કિંગ ખાનને આ વાતની જાણ થઈ હતી, આશ્ચર્યની વાત એ છે કે, તેણે શિવાનીની છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં જરા પણ સમય ન લીધો. શિવાનીની ઈચ્છા જાણીને કિંગ ખાને તેના વ્યસ્ત શેડયૂલ છતાં તેને ફોન કર્યો. તેણે પોતાના ફેનને વીડિયો કોલ કર્યો તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેના વખાણ કરી રહ્યાં છે. એટલું જ નહી પણ શાહરૂખે શિવાનીને વચન આપ્યું હતું કે તે શિવાનીને મળવા કોલકત્તા આવશે. દીકરીના લગ્નમાં હાજરી આપશે. એટલું જ નહીં,
શાહરૂખે કહ્યું કે તે શિવાનીના ઘરે બનાવેલી ફિશ કરી પણ ખાશે પણ, તેમાં હાડકા ન હોવા જોઈએ. શિવાની હંમેશાથી શાહરૂખ ખાનની મોટી ફેન છે. તેણે શાહરૂખની તમામ ફિલ્મો જોઈ હોવાની વાત પણ કહી છે. કેન્સરની સારવાર છતાં શિવાની શાહરૂખની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પઠાણ જોવા માટે થિયેટર પહોંચી ગઈ હતી. તે શાહરૂખની એટલી મોટી ફેન છે કે શિવાનીના બેડરૂમમાં શાહરૂખની એક કે બે નહી પણ અસંખ્ય તસવીરો લાગેલી છે.
શિવાની ક્રિકેટ ફેન નહોતી. પણ, આઈપીએલમાં શઆહરૂખ ખાને ટીમ લીધી ત્યારબાદ તે ક્રિકેટ પણ જોવા લાગી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, શાહરૂખ છેલ્લે સિદ્ધાર્થ આનંદની પઠાણમાં જોવા મળ્યો હતો. પઠાણ ફિલ્મ આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ હતા. આ બાદ હવે તે એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૭ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.