
દેવો કે દેવ મહાદેવ ફેમ એક્ટર મોહિત રૈના બન્યો પિતા
મુંબઈ, સીરિયલ દેવો કે દેવ મહાદેવ’માં મહાદેવ’નું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતો થયેલા મોહિત રૈનાના ઘરે કિલકારી ગૂંજી છે અને તેની પત્ની અદિતિ શર્માએ બાળકને જન્મ આપ્યો છે. ગત વર્ષે લગ્નની તસવીરો શેર કરીને ફેન્સને સરપ્રાઈઝ આપનારા આ એક્ટરે એક તસવીર શેર કરીને આ ખુશખબરી સંભળાવી છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા તે દીકરીનો પિતા બન્યો હોવાની ખબર ફેન્સ અને શુભચિંતકોને આપી છે. મોહિતે શેર કરેલી તસવીરમાં તેણે નનજાત દીકરીની આંગળી પકડીને રાખી છે અને તેને એક સ્વીટ મેસેજ પણ આ સાથે લખ્યો છે. તેણે લખ્યું છે ‘અને આમ અમે ત્રણ થયા… દુનિયામાં તારું સ્વાગત છે મારી દીકરી. મોહિત રૈનાએ જેમ લગ્નની વાત બધાથી છુપાવીને રાખી તેમ પત્નીની પ્રેગ્નેન્સી અંગે પણ કોઈને કાનોકાન ખબર પડવા દીધી નહોતી.
પરંતુ તેમના ઘરે પારણું બંધાયું હોવાની વાતથી ફેન્સ અને મિત્રો ખુશ છે. દિયા મિર્ઝાએ કોમેન્ટ કરતાં ‘અરે વાહ અભિનંદન’ તેમ લખ્યું છે, તો કાશ્મીરા પરદેશીએ લખ્યું છે ‘ઓહ માય ગોડ… અભિનંદન’. ફેન્સે પણ એક્ટર પર અભિનંદનનો વરસાદ કર્યો છે અને નાનકડી ઢીંગલી માટે પ્રેમ મોકલ્યો છે. એક ફેને લખ્યું છે ‘મહાદેવની દીકરી’, તો એક ફેને કોમેન્ટ કરી કે ‘અશોક સુંદરી’. મોહિતના ફેન પેજે લખ્યું ‘સુંદર જાદુ તારું આ દુનિયામાં સ્વાહત છે. નાના ખજાના સાથેના સમયને તું મન ભરીને એન્જોય કરજે’. એક ફેને પર્સનલ લાઈફ અંગે શો-ઓફ ન કરવા માટે એક્ટરના વખાણ કરતાં લખ્યું છે ‘આ લોકો સારા છે, કોઈ શો-ઓફ નથી કરતાં.
તેઓ શાંતિથી ન્યૂઝ શેર કરી દે છે નહીં તો આજકાલ સેલેબ્સની નૌટંકી જ ખતમ નથી થતી. મોહિત રૈનાએ જાન્યુઆરી ૨૦૨૨માં અદિતિ શર્મા સાથે લગ્ન કર્યા હતા. જેના થોડા જ મહિના બાદ તેમની વચ્ચે કંઈ ઠીક ન હોવાની ખબરો હતી. કપલ ડિવોર્સ લેવા અંગે પણ વિચારી રહ્યા હોવાનું કહેવામાં આવતું હતું. જો કે, વાતચીતમાં એક્ટરે આ ખબરને અફવા ગણાવીને ફગાવી હતી.
તેણે કહ્યું હતું ‘આ અફવા પાયાવિહોણી છે. હું હાલ હિમાચલ પ્રદેશમાં છું અને અમારી પહેલી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યો છું. વર્ક ફ્રંટની વાત કરીએ તો, ફિલ્મોમાં કામ કરવા માટે મોહિત રૈનાએ ટીવીમાંથી બ્રેક લીધો હતો. તે ૨૦૧૯માં રિલીઝ થયેલી વિકી કૌશલની ફિલ્મ ‘ઉરી’માં મહત્વના રોલમાં જોવા મળ્યો હતો અને તેની એક્ટિંગ ઘણા વખાણ પણ થયા હતા. આ સમય દરમિયાન તે વેબ સીરિઝમાં કામ કરવામાં વ્યસ્ત છે.