
દીપિકા કક્કર પ્રેગ્નેન્સીની જાણ થતાં ખુશીની સાથે ડરેલી હતી
મુંબઈ, ટેલિવુડ કપલ દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ હાલ સાતમા આસમાને છે. દીપિકા કક્કર પ્રેગ્નેન્ટ છે અને તેની પ્રેગ્નેન્સીના ત્રણ મહિના પૂરા થયા છે. દીપિકા અને શોએબે રવિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને આ ખુશખબર ફેન્સ અને ફોલોઅર્સ સાથે વહેંચ્યા હતા. જે બાદ શોએબે પોતાની યૂટયૂબ ચેનલ પર વ્લોગ શેર કરીને પ્રેગ્નેન્સી અંગે વધુ વિગતો આપી હતી. દીપિકા અને શોએબે જણાવ્યું કે, તેઓ પ્રેગ્નેન્સીને લઈને ખૂબ જ ભયભીત હતા કારણકે ગત વર્ષે દીપિકાનું મિસકેરેજ થયું હતું. વ્લોગમાં દીપિકા કહે છે કે, *ગત વર્ષે ફેબ્રુઆરીમાં પ્રેગ્નેન્સીના છઠ્ઠા અઠવાડિયે મિસકેરેજ થઈ ગયું હતું.
તેના કારણે જ અમે આ વખતે ખૂબ ડરેલા હતા. અમે એકલા નથી જે આ સ્થિતિમાંથી પસાર થયા છીએ.* મિસકેરેજના કારણે દીપિકાનું વજન પણ વધી ગયું હતું તેમ શોએબે ઉમેર્યું. દીપિકાએ પ્રેગ્નેન્સી વિશે જાણકારી આપી એ દિવસને યાદ કરતાં શોએબે કહ્યું કે, તે ચાંદીવલીમાં શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે દીપિકાએ પ્રેગ્નેન્સી ટેસ્ટનો ફોટો મોકલ્યો હતો. જોકે, ત્યારબાદ બંને શાંત રહ્યા હતા, તેઓ ખુશ તો હતા પરંતુ અગાઉના અનુભવના કારણે વધુ ખુશી વ્યક્ત કરતાં ડરી રહ્યા હતા. દીપિકા-શોએબે જણાવ્યું કે, શરૂઆતના ૧૫-૨૦ દિવસ તો તેમણે ઘરે પણ કોઈને આ વાતની જાણકારી નહોતી આપી.
જોકે, હવે દીપિકાની તબિયત સારી છે અને બાળકનો વિકાસ પણ સરસ રીતે થઈ રહ્યો છે ત્યારે કપલ જીવનના નવા પડાવને શરૂ કરવા માટે ઉત્સાહિત છે. દીપિકા અને શોએબે ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેર કરીને પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. તસવીરમાં બંનેની પીઠ જોવા મળી રહી છે. શોએબ અને દીપિકાએ વ્હાઈટ રંગના આઉટફિટ પહેર્યા છે. બંનેએ કેપ પહેરી છે અને તેના પર મોમ-ટુ-બી અને ડેડ-ટુ-બી લખેલું છે. આ તસવીર શેર કરતાં કપલે લખ્યું, *અમારા દિલમાં કૃતજ્ઞતા, ખુશી, ઉત્સાહ અને નર્વસનેસ સાથે અમે આ ન્યૂઝ તમારા સૌ સાથે શેર કરી રહ્યા છીએ.
આ અમારી જિંદગીનો સૌથી સુંદર તબક્કો છે. હા, અમારું પહેલું બાળક જન્મ લેવાનું છે. જલ્દી જ અમે પેરેન્ટ્સ બનવાના છીએ. અમારા નાનકડા બાળક માટે તમારા સૌના પ્રેમ અને દુઆની જરૂર છે. દીપિકા અને શોએબની મુલાકાત સીરિયલ ‘સસુરાલ સિમર કા’ના સેટ પર થઈ હતી. કપલે ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ કપલના લગ્નને પાંચ વર્ષ થશે ત્યારે એનિવર્સરીના એક મહિના પહેલા જ પહેલી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે.