
બ્રાઈડ-ટુ-બી દલજીત કૌરના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ
મુંબઈ, દલજીત કૌર હાલ સાતમાં આસમાને છે અને હોય પણ કેમ નહીં? ઘણા વર્ષો બાદ તેના જીવનમાં ફરીથી ખુશીનું આગમન થયું છે તો! તે ૧૮મી માર્ચે મુંબઈના ગુરુદ્વારામાં યુકેના બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કરવાની છે. આ પહેલા તેના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. ગુરુવારે (૧૬ માર્ચ) તેના ઘરે જ મહેંદી સેરેમની યોજાઈ હતી. આ માટે ઘરને ગલગોટાના ફૂલથી ખૂબ સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. તેની કેટલીક ખાસ બહેનપણીઓ પણ આ દરમિયાન હાજર રહી હતી.
બ્રાઈડ-ટુ-બી એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મહેંદીની ઝલક દેખાડતી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે અત્યંત ખુશ જણાઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટની પહેલી તસવીરમાં દલજીત કૌર મમ્મી-પપ્પા સાથે જોવા મળી. બીજી તસવીરમાં દીકરો જેયડન મમ્મીના હાથમાં મૂકવામાં આવેલી મહેંદીને ધ્યાનથી જોઈ રહ્યો છે. ત્યારબાદની તસવીરમાં એક્ટ્રેસને તેના મમ્મી માથે હાથ મૂકીને આશીર્વાદ આપી રહ્યા છે. અન્ય તસવીરોમાં તેણે નજીકથી મહેંદીની ઝલક દેખાડી છે.
જેમાં ધ્યાનથી જોશો તો એક હથેળીમાં પાંચ વ્યક્તિ એકબીજાનો હાથ પકડીને ઉભા હોય તેવું દોર્યું છે. ઉલ્લેનીય છે કે, દલજીતને એક દીકરો છે જ્યારે નિખિલ બે દીકરીઓનો પિતા છે. તસવીરોના કેપ્શનમાં લખ્યું છે ‘અને તેની શરૂઆત થઈ ગઈ છે. મારા પરિવાર અને મારા માટે ભાવુક દિવસ રહ્યો, તમારી પ્રાર્થનામાં અમને યાદ રાખજો’. દેવોલીના ભટ્ટાચાર્જીએ રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે. શ્વેતા કવાત્રાએ તેને ‘સુંદર છોકરી’ તો સુનૈના ફોજદારે ‘ગોર્જિયસ બ્રાઈડ’ ગણાવી છે. અદિતિ મલિકે લખ્યું છે ‘અભિનંદન, તારા માટે ખૂબ ખુશ છું. તમને ખૂબ બધો પ્રેમ અને આશીર્વાદ’. એક્ટ્રેસ બીજીવાર લગ્ન કરી રહી હોવાથી તેના ફેન્સ પણ ખુશ છે અને આ વાત તેમણે કોમેન્ટ સેક્શનમાં કહી છે. મહેંદી સેરેમની પહેલા દલજીત કૌરની બેચલરેટ પાર્ટી યોજાઈ હતી.
જેમાં કરિશ્મા તન્ના, પ્રણીત પંડિત તેમજ સુનૈના ફોજદાર સહિતના ફ્રેન્ડ્સ સામેલ થયા હતા. તમામ બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી હતી તો બ્રાઈડ-ટુ-બીએ બ્લૂ કલર પર પસંદગી ઉતારી હતી. આ દરમિયાન તમામે ખૂબ મસ્તી કરી હતી અને ગેમ પણ રમ્યા હતા. જેનો વીડિયો દલજીતની એક ફ્રેન્ડે શેર કર્યો છે. દલજીત કૌર અને નિખિલ પટેલની લવ સ્ટોરીની વાત કરીએ તો, એક ફ્રેન્ડને ત્યાં યોજાયેલી પાર્ટીમાં તેમની મુલાકાત થઈ હતી. તેમની વચ્ચે પહેલી નજરનો પ્રેમ નહોતો. તેમણે પહેલા વાતચીત શરૂ કરી હતી અને એકબીજાને સારી રીતે ઓળખતા થયા બાદ ડેટ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ જાન્યુઆરીમાં નેપાળમાં નિખિલે દલજીતને પ્રપોઝ કર્યું હતું અને ત્યાં જ તેમની સગાઈ થઈ હતી.